ગોરેગાંવના રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં રહેતા યુવાનો કેમ કરે છે સ્યૂસાઈડઃ પોલીસ કરશે તપાસ

ગોરેગાંવઃ મુંબઈના ગોરેગાંવ ઉપનગરમાં ખૂબ જ પૉશ એવા રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં છેલ્લા છ મહિનામાં ચોથી આત્મહત્યાની ઘટના ઘટી છે. અહીંના ઑબેરોય સ્કવેરના 23માં ફ્લોર પરથી એક 17 વર્ષીય કિશોરીએ કૂદકો મારી આત્મહત્યા કર્યાની ઘટના બહાર આવી છે. કિશોરીના પિતા પણ જાણીતા બિલ્ડર છે અને આ તેમની એકની એક દીકરી હતી તેમ જાણવા મળ્યું છે.
પરિવારના સભ્યો ઘરે જ હતા. કિશોરી તેનાં બેડરૂમમમાં હતી અને અચાનક બપોરે ત્રણેક વાગ્યા આસપાસ તેણે 23માં માળેથી પડતું મૂક્યું હોવાનું જાણવા મળ્યું છે. તેને નીચે પટકાતા રિસેપ્સનિસ્ટે જોઈ હતી.
કિશોરી 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આગળ ભણવા માટે લંડન જવાની હતી. જોકે પરિવારના જણાવ્યા અનુસાર તે ડિપ્રેશનમાં હતી અને તેનો ઈલાજ પણ ચાલતો હતો.
આ ઘટનાની તપાસ કરવા ગયેલી પોલીસને પણ નવાઈ લાગી કારણ કે અહીં છ મહિનામાં ચાર આત્મહત્યા થઈ છે. ચારેય 16થી 22 વર્ષની ઉંમરના હતા. પોલીસની જાણમાં એમ પણ આવ્યું છે કે આ ખૂબ જ વિશાળ એવા રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં હજુ એવા કિશોરો અને યુવાનો છે જેમનો ડિપ્રેશન માટે ઈલાજ ચાલે છે.
આરે પોલીસના જણાવ્યા અનુસાર તેઓ આ મામલે વદારે તપાસ હાથ ધરશે અને ત્યારબાદ અહીંના લોકોને કાઉન્સેલિંગ કરશે. જે બાળકો-યુવાનો પોતાના કોઈપણ પ્રશ્નથી માનસિક તાણ અનુભવતા હોય તે કાઉન્સિલરને જણાવે અને તેઓ આવા કોઈ આત્યંતિક પગલાં ન ભરે.
આપણ વાંચો: મલાડના ટ્રાફિકથી એક દિવસમાં પરેશાન થઈ ગઈ આ અભિનેત્રી, વીડિયો વાયરલ