ગોરેગામમાં ડમ્પર સાથે મોટરસાઇકલ અથડાતાં યુવકનું મોત: મિત્ર ઘાયલ…

મુંબઈ: ગોરેગામ વિસ્તારમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ડમ્પર સાથે મોટરસાઇકલ અથડાતાં 22 વર્ષના યુવકનું મોત થયું હતું, જ્યારે તેનો મિત્ર ઇજા પામ્યો હતો. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થતાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગોરેગામ પૂર્વમાં પઠાણવાડી જંકશન પર રવિવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ નિખિલ બાબાજી કરાડે (22) તરીકે થઇ હતી. નિખિલ મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો, જ્યારે પાછળ બેઠેલા તેના મિત્ર સુમિત ખૈરનાર (22)ને ગંભીર ઇજા થઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
નિખિલ કરાડે અને તેના મિત્ર સુમિત મોટરસાઇકલ પર ગોરેગામ તરફ જઇ રહ્યા હતા. બંને જણ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આગળ જઇ રહેલા ડમ્પરે અચાનક ટર્ન લેતાં કરાડેએ કાબૂ ગુમાવ્યો હતો અને મોટરસાઇકલ ડમ્પર સાથે અથડાઇ હતી.
અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા બંને જણને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં કરાડેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યાં તેના મિત્રને દાખલ કરાયો હતો. અકસ્માત બાદ ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. ડમ્પરચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106-એ (સદોષ મનુષ્યવધ) તથા મોટર વેહિકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)



