આમચી મુંબઈ

ગોરેગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં ત્રણ જખમી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ(પશ્ચિમ)માં બુધવારે સવારના એક ચાલીમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ત્રણ જખમી થયા હતા. સ્થાનિક રહેવાસીઓએ બાલદીથી પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી દીધી હતી પણ વિસ્ફોટની તીવ્રતાને કારણે ગ્રાઉન્ડ ફ્લોરના બે રૂમની દિવાલનો ભાગ તૂટી પડયો હતો, જેમાં ત્રણ જખમી થયા હતા. બે જખમીની હાલ સ્થિર છે તો એકની હાલત ગંભીર છે.

ગોરેગામ (પશ્ચિમ)માં શહીદ ભગતસિંહ નગર-બેમાં રાજારામ ચાલમાં બુધવારે સવારના ૭.૪૨ વાગે આગની ઘટના બની હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિક રહેવાસીઓએ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ વિસ્ફોટને કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ નંબર ૧૮૦ અને ૧૮૧ની દીવાલ આંશિક રીતે ધરાશાયી થઈ ગઈ હતી.

ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને વીજળીનો પુરવઠો કાપી નાંખ્યો હતો. આ દરમ્યાન સિલિન્ડર વિસ્ફોટને કારણે બંને રૂમમાં દીવાલનો ભાગ તૂટી પડયો હતો જેમાં ત્રણ લોકો જખમી થયા હતા.ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુુજબ એલપીજી ગેસ સિલિન્ડરમાં રહેલા ગળતરને કારણે વિસ્ફોટ થયા બાદ સવારના ઘરમાં આગ ફાટી નીકળી હતી. બંને ઘરમાં પ્લાસ્ટિકની વસ્તુઓ તથા ઘરનો સામાન હતો, છતાં સદ્નસીબે આગ વધુ ફેલાઈ નહોતી.

જખમીમાં ૨૮ વર્ષની માલતીદેવી ૩૦થી ૩૫ ટકા બળી ગઈ હતી, તેના પર જોગેશ્ર્વરીની ટ્રોમા કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ બાદ તેને સાયન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. અન્ય બે જખમીઓમાં ૩૭ વર્ષનો સરજન અલી જાવેદ શેખ અને ૩૮ વર્ષના ગુલ મોહમ્મદ અમીન શેખનો સમાવેશ થાય છે. બંનેને બોરીવલીની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુલ મોહમ્મદની હાલત ગંભીર હોઈ તેના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button