ગોરેગાંવ આગ: સિગારેટે લીધા આઠના જીવ, તપાસ અહેવાલમાં ખુલાસો
મુંબઈ: મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં એમજી રોડ પર આવેલી સાત માળની બિલ્ડિંગ જય ભવાની બિલ્ડિંગના પાર્કિંગમાં આગનું મુખ્ય કારણ સળગતી સિગારેટનો પફ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસ માટે બનાવવામાં આવેલી આઠ સભ્યોની કમિટીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સળગતી સિગારેટના કારણે ત્યાં રાખવામાં આવેલા કપડાના બંડલમાં આગ ફેલાઈ હોવાનું બહાર આવ્યું છે. જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તેના કારણે આઠ લોકોના મોત થયા અને ૫૧ લોકો દાઝી ગયા.
કમિટીએ ભલામણ કરી છે કે આગની ઘટનાઓને રોકવા માટે ખાસ કરીને એસઆરએ બિલ્ડિંગમાં બહારથી સીડીની વ્યવસ્થા કરવામાં આવે. તેમજ સાત માળની ઇમારતોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લાગુ કરવી ફરજિયાત રહેશે.
પાલિકા કમિશનરના આદેશ પર તપાસ
હાથ ધરવામાં આવી
છઠ્ઠી ઑક્ટોબરે મધ્યરાત્રિએ ગોરેગાંવ વેસ્ટની જય ભવાની બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્યાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ આગ ગાઢ નિંદ્રામાં રહેલા લોકો માટે એક ડરામણા સ્વપ્ન સમાન હતી. જ્યાં લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા હતા. આ દુર્ઘટના પછી પાલિકાએ તેની તપાસ કરવા માટે એડિશનલ પાલિકા કમિશનર મુંબઈ, ફાયર બ્રિગેડ, મ્હાડાને ડૉ. સુધાકર શિંદેની અધ્યક્ષતામાં એસઆરએ અને પોલીસ અધિકારીઓની બનેલી તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે. પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલના આદેશ પર આ સમિતિની રચનાનો આદેશ આપવામાં આવ્યો છે.
ટૂંક સમયમાં કમિટી રિપોર્ટ
આ અકસ્માત અંગેની તપાસ સમિતિની બીજી બેઠક મહાનગરપાલિકાના મુખ્યાલયમાં મળી હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગમાં કપડા ભેગા કરતા નાના વેપારીઓ પોતાના કપડાના બંડલ મોટી માત્રામાં રાખતા હતા.
દર શુક્રવારે ધંધાર્થીઓ ધંધાર્થે બહાર જતા ત્યારે આ બંડલ લઈને જતા હતા. એવા અહેવાલ છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ ધૂમ્રપાન કર્યા પછી સળગતી સિગારેટ ફેંકી હતી, જેના કારણે આગ કપડાંના બંડલમાં ફેલાઈ ગઈ હતી અને બિલ્ડિંગને લપેટમાં લીધી હતી.
રિપોર્ટમાં ઘણી ભલામણો કરવામાં આવી
આ રિપોર્ટમાં ઘણી ભલામણો કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કટોકટીની રાહત માટે એસઆરએ ઇમારતોની બહાર લોખંડની સીડીઓ લગાવવાનું સૂચન કર્યું છે, તમામ એસઆરએ ઇમારતોનું ફાયર ઓડિટ કરાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૪ મીટર સુધીની ઇમારતોમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમની ભલામણ કરવામાં આવે છે. અત્યાર સુધી ફાયરની પરવાનગી ફરજિયાત ન હતી. હવેથી તમામ એસઆરએ બિલ્ડિંગ માટે આ સિસ્ટમ અને પરવાનગી મેળવવી ફરજિયાત રહેશે. એસઆરએ બિલ્ડિંગના પુન:વિકાસમાં, સીડીઓની લંબાઈ, પહોળાઈ, કદ પહેલા કરતા વધારે રાખવા જોઈએ. ઉપરાંત, તમામ એસઆરએ તેમજ નીચા માળની ઇમારતોને ફાયર બ્રિગેડ તપાસમાંથી પસાર થવું પડશે. બહુમાળી ઈમારતોમાં અગ્નિશમન પ્રણાલીની ચકાસણી સિવાય વાયરિંગનું ‘બી ફોર્મ’ ભરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ બહુમાળી ઈમારતોમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમનું નિરીક્ષણ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે.