ગોપાલ શેટ્ટીનું પત્તું કપાશે? પિયૂષ ગોયલ મુંબઈથી લોકસભાની ચૂંટણી લડે એવા સંકેત
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન તેમ જ ભાજપના વરિષ્ઠ નેતા પિયૂષ ગોયલ આ વખતે મુંબઈથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા છે. હવે પિયૂષ ગોયલ માટે મુંબઈની કઇ બેઠક સૌથી સુરક્ષિત છે તેની શોધ ચાલી રહી છે.
પિયૂષ ગોયલ જો મુંબઈથી ચૂંટણી લડે તો તેમની માટે સૌથી સારી બેઠક કઇ રહી શકે તે વિશે વિચાર થઇ રહ્યો છે. તેમની માટે યોગ્ય મતવિસ્તાર શોધવાની શરૂઆત થઇ ગઇ હોવાનું કહેવાય છે. હવે મુંબઈમાં ભાજપનો ગઢ મનાતા ઉત્તર મુંબઈ મતવિસ્તાર કરતાં વધુ સુરક્ષિત બેઠક તેમની માટે અન્ય કોઇ હોય શકે નહીં. તેથી આ બેઠક તેમને આપવામાં આવી શકે છે.
જોકે, આ બેઠક ઉપર સાંસદ ગોપાલ શેટ્ટી ભાજપ તરફથી વર્ષોથી લડી રહ્યા છે. ગોપાલ શેટ્ટીની બેઠક ભાજપ માટે સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પિયૂષ ગોયલ ૨૦૧૦થી રાજ્યસભાના સાંસદ છે અને તે સતત ત્રણ ટર્મથી મહારાષ્ટ્રમાંથી ચૂંટાઇ આવ્યા છે. જોકે, ભાજપ હવે તેમને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાની તૈયારીમાં છે.
ગોપાલ શેટ્ટી ૨૦૧૪થી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે અને સાંસદ તરીકે આ તેમની બીજી ટર્મ ચાલુ છે. ૨૦૧૪ પહેલા ઉત્તર મુંબઈ અને ઉત્તર મધ્ય મુંબઈ આ બંને જગ્યાએ કૉંગ્રેસના સાંસદ હતા. ૨૦૧૯માં ઉત્તર મધ્ય મુંબઈમાં ભાજપના પૂનમ મહાજન ૧,૩૦,૦૦૦ મતોના માર્જીનથી જીત્યા હતા.