ગૃહિણીઓ આનંદોઃ શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો
નવી મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટતા નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં શુક્રવારે શાકભાજીની ૮૦૦ ટ્રક દાખલ થઇ હતી તેથી શાકભાજીના દરમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ૧૦૦ રૂપિયા કિલો મળનારા લીલા વટાણાના ભાવ રૂ. ૬૦ કિલો પર પહોંચ્યા હતા. સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં શાકભાજીના ભાવમાં વધારો હોય છે, પરંતુ આવક વધુ થવાને કારણે ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકોને ઘણો લાભ થયો છે.
રાજ્યમાં જોરદાર વરસાદ ચાલુ હોવાને કારણે એપીએમસીમાં શાકભાજીની આવક ઘટી હતી. તેથી તેના દરમાં ખાસ્સો વધારો થયો હતો. હવે વરસાદનો જોર ઘટ્યું હોવાને કારણે એપીએમસી માર્કેટમાં શાકભાજીની વિક્રમી આવક થઇ હતી. રાજ્યના વિવિધ ભાગમાંથી ૮૦૦ જેટલી ટ્રક દાખલ થતા ભાવમાં પણ ૪૦ ટકાનો ઘટાડો થયો હતો.
આપણ વાંચો: શાકભાજીના ભાવો માત્ર ગૃહિણીઓને જ નહીં, આ બધાને પણ રડાવે છે
રિટેલ બજારમાં ગ્રાહકો ઘટ્યા
મુંબઈ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી, વસઇ, મીરા-ભાયંદર ખાતેના રિટેલ બજારમાં હાલમાં ગ્રાહકોની સંખ્યા ઘટી છે. સળંગ રજાઓ આવી હોવાને કારણે લોકો બહારગામ ગયા છે. રિટેલમાં માગણી ઓછી હોવાને કારણે હોલસેલ માર્કેટ પર તેની અસર જોવા મળી હતી. તેથી શ્રાવણ મહિનો હોવા છતાં શાકભાજીના દરમાં ઘટાડો થયો છે.
ઓક્ટોબર હિટ જેવી ગરમી
ગયા અઠવાડિયાથી વરસાદે પોરો ખાધો હોવાથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. ઓક્ટોબર હિટ જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. તેથી શાકભાજીઓ ઝડપથી પાકી ગયા હોવાને કારણે માર્કેટમાં આવક વધી છે, એમ વેપારીઓનું કહેવું છે.