ગૂડ ન્યૂઝઃ નેશનલ પાર્કમાં ફરી શરુ થશે ટાઈગર સફારી….
મુંબઈઃ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં છેલ્લા પાંચ વર્ષથી બંધ વાઘ સફારી ઔપચારિક રીતે ફરીથી શરુ કરવામાં આવી છે, એમ રાજ્યના વન પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું. 2016માં સલામતી વાડ તૂટી પડવાથી ૨૦-હેક્ટર સફારી બંધ કરવામાં આવી હતી. મુલાકાતીઓને ફક્ત એક હેક્ટર સુધી જ પ્રવેશ મળતો હતો, જે હવે સમગ્ર ૨૦ હેક્ટરને આવરી લેશે, જેમાં વાઘ તેમના કુદરતી રહેઠાણમાં પાછા ફરશે.
૧૯૯૦ના દાયકાના મધ્યમાં તત્કાલીન શિવસેના-ભાજપ સરકાર વખતે ઉદ્ધવ ઠાકરેએ સફારી ડિઝાઇન કરી હતી અને ૧૯૯૮માં મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. છત્રપતિ સંભાજીનગર પ્રાણી સંગ્રહાલયમાંથી સફેદ વાઘની જોડી લવાઇ હતી.
મુનગંટીવારે એસએનજીપીના મુખ્ય દ્વારથી સફારી અને કાન્હેરી ગુફાઓની સફર માટે પ્રત્યેક 30 મુસાફરોની ક્ષમતા ધરાવતી છ ઇલેક્ટ્રિક બસ પણ શરૂ કરી. બસ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા દાનમાં આપવામાં આવી હતી. કોર્પોરેશને પાંચ બગીઓ પણ દાનમાં આપી હતી.
હાલમાં એક નર અને એક માદા સિંહ છે. આ ૧૨ હેક્ટરમાં ફેલાયેલું છે અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઑફ ઈન્ડિયા એ રાજ્યના વન વિભાગને ૨૦ હેક્ટરમાં સફારી રાખવા જણાવ્યું છે, કારણ કે ૧૨ હેક્ટરની સફારી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના ધોરણોમાં બંધબેસતી નથી.
રાજ્યનું વન વિભાગ સફારી માટે ગુજરાતમાંથી સિંહોની વધુ એક જોડી મેળવવાની તૈયારીમાં છે. વન વિભાગ ચિત્તા સફારી વિકસાવવા માટે પણ પરવાનગી માંગી રહ્યું છે. આ પણ ૨૦ હેક્ટર પર બનશે.
વિભાગે ₹૪૦ કરોડના ખર્ચે મિની ટ્રેનને બેટરી ટ્રેનમાં બદલવાની દરખાસ્તને પણ અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ ફાઇલ મંત્રાલયમાં અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે. આ પ્રોજેકટમાં વન વિભાગ નવી ટ્રેન મેળવીને નવા પાટા નાખશે. તે સ્ટેશનોને પણ રિમોડેલ કરશે. ૨૦૨૧માં જ્યારે ચક્રવાત તાઉતે મીની ટ્રેન વન રાણીના ટ્રેકને નુકસાન પહોંચાડ્યું ત્યારે રેલવેએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.