પનવેલવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ પાતાળગંગા નદીમાંથી પાણી મળવાના પ્રસ્તાવને મંજૂરી
પનવેલ: પાતાળગંગા નદીમાંથી બાકીનું ૧૦ એમએલડી પાણી પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન મળે એ માટે રજૂ કરેલા પ્રસ્તાવને રાજ્યના જળ સંસાધન વિભાગે અંતિમ મંજૂરી આપી દીધી છે, જેથી પનવેલવાસીઓને થોડી રાહત મળશે.
પનવેલ મ્યુનિસિપલ વિસ્તારમાં, પનવેલ સહિત નવુ પનવેલ, ખાંડા કોલોની, કલંબોલી વગેરેમાં મહારાષ્ટ્ર લાઇફ ઓથોરિટી દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. લોનાવલા ખાતેના ટાટા પાવર પાવર પ્લાન્ટમાંથી પાણી પાતાળગંગા નદીમાં છોડવામાં આવે છે.
આ પાણી પછી પનવેલના વાયાળમાંથી ‘મજીપ્રા’ના ભોકરપાડા વોટર ટ્રીટમેન્ટ સેન્ટરમાં લાવવામાં આવે છે. પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરોને સિડકો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. પાતાળગંગા નદીના પાણીનો પીવાના પાણી માટે ઉપયોગ થાય છે. અહીં ઉપલબ્ધ કુલ ૩૬૦ એમએલડી પાણીમાંથી ‘મજીપ્રા’, એમઆઇડીસી અને અન્ય સત્તાવાળાઓને આપ્યા પછી ૧૦ એમએલડી પાણી બાકી રહે છે.
આ ૧૦ એમએલડી પાણી માટે વહીવટીતંત્રે સામાન્ય સભામાં દરખાસ્તને મંજૂરી આપી હતી અને ૧૦ એમએલડી પાણી પુરવઠાની દરખાસ્ત જળ સંસાધન વિભાગને સુપરત કરી હતી. ત્યાર બાદ સ્થાનિક વિધાનસભ્યએ આ બાબતે રાજ્ય સરકાર સાથે પત્રવ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત, તેના સંબંધમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ બેઠક કરી હતી અને અંતે જળ સંસાધન વિભાગે ૧૪ માર્ચે પાતાળગંગા નદીમાંથી પનવેલ સુધી ઘરેલું હેતુઓ માટે ૩.૬૫ મિલિયન ક્યુબિક મીટર (૧૦ એમએલડી) પાણી છોડવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. બાકીનો પાણીનો પુરવઠો પનવેલવાસીઓને મળવાથી આગામી દિવસોમાં પીવાના પર્યાપ્ત પાણીની સુવિધા મળવાથી રાહત મળી શકે છે.