એલિફન્ટાથી મુંબઈ રિટર્ન આવનારા માટે ગુડ ન્યૂઝ, આ રાહત મળી શકે
મુંબઈઃ શહેરના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા ગુફાઓ સુધી પહોંચનારા પર્યટકો માટે હવે સારા સમાચાર આવ્યા છે. એલિફન્ટાથી મુંબઈ પરત ફરતા પ્રવાસીઓને હવે જેટ્ટી ખાતે બોટની લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે. આ પ્રવાસીઓ માટે રાહ જોયા વગર મુંબઈ પહોંચાડવા માટે મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ (એનએનબી)એ એલિફન્ટા ખાતે આવેલા જેટ્ટીને વિસ્તારવાનો નિર્ણય લીધો છે.
જેટ્ટીની જગ્યાનો વિસ્તાર કર્યા બાદ અહીં વધુ બોટ પાર્ક કરવાની સુવિધા ઉપલબ્ધ થશે, જેથી અહીંથી પ્રવાસીઓને મુંબઈ લઈ જનાર બોટની ફેરીમાં પણ વધારો થશે. બોટની ફેરીમાં વધારો થતાં પ્રવાસીઓને થોડા સમયમાં ફેરીની સુવિધા ઉપલબ્ધ થશે.
મુંબઈના આ એક પ્રમુખ પર્યટન સ્થળ તરીકે ઓળખાતા એલિફાન્ટાની દર વર્ષે લગભગ 10 લાખ જેટલા પર્યટક મુલાકાત લે છે. એલિફન્ટામાં આવેલી આ પ્રાચીન ગુફાઓ જોવા માટે પર્યટકોએ બોટ અથવા જમ્બો જહાજ મારફત પહોંચે છે. એક સર્વે રિપોર્ટ મુજબ એલિફન્ટામાં પર્યટકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે, જેથી અહી આવતા પર્યટકોએ મુંબઈ પરત ફરવા માટે લાંબા સમય સુધી બોટ ફેરીની રાહ જોવી પડે છે.
એનએનબી દ્વારા સરકાર સામે આ મામલે પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં એલિફન્ટાની જેટ્ટીની લંબાઈ અને પહોળાઈ વધારવાની સાથે ત્યાં અન્ય સુવિધાઓ પણ વધારવાનો પણ આ પ્રસ્તાવમાં સમાવેશ થાય છે. એનએનબીના આ પ્રસ્તાવને માન્યતા આપી રાજ્ય સરકાર દ્વારા લગભગ 87 કરોડ રૂપિયાનું ભંડોળ આ કામો માટે ફાળવવામાં આવશે જેની 50 ટકા રકમ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે.
જેટ્ટીના અપગ્રેડેશન કામોમાં વિસ્તારના 235 મીટર પરિસરમાં બાંધકામ કરવામાં આવશે. જેટ્ટીના કામો કરવા માટે દરેક વિભાગો પાસેથી પરવાનગી મળી ગઈ છે અને યોજના પણ બનાવી લેવામાં આવી છે.
હાલમાં એલિફન્ટા ખાતે એક જ વખતે છ બોટ ઊભી રાખવાની વ્યવસ્થા છે અને અપગ્રેડેશન પૂરું થયા બાદ 10 જેટલી બોટ ઊભી રાખવાની સુવિધા મળશે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવેલી એલિફન્ટાની આ ગુફાઓએ પહોંચવા માટે મુંબઈના ગેટ-વે ઓફ ઈન્ડિયાથી દર પંદર મિનિટે બોટ સેવાઓ ઉપલબ્ધ છે અહીં ખાનગી બોટ સેવા પણ રાખવામા આવી છે.
શનિવાર-રવિવાર અને રજાઓના દિવસોમાં એલિફન્ટા જનાર પર્યટકોની સંખ્યામાં વધારો જોવા મળે છે. આ દિવસોમાં મુંબઈ પરત ફરવા માટે બોટની લગભગ એક કલાક સુધી રાહ જોવી પડે છે. જેટ્ટીના વિકાસ બાદ અહીં પર્યટકોને ઓછી રાહ જોવી પડશે જેથી પર્યટકોની સંખ્યામાં વધારો થતાં આ વિસ્તારોનો વિકાસ પણ થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.