Central Railwayના પ્રવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ આટલા સ્ટેશનની કાયાપલટ થશે
મુંબઈ: અમૃત ભારત યોજના હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈના 11 રેલવે સ્ટેશનની કાયાપલટના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ 11 રેલવે સ્ટેશનમાં સેન્ટ્રલ રેલવેના ઉપનગરીય રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે.
26 ફેબ્રુઆરીએ વીડિયો લિંક દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ ડિવિઝનના 11 ઉપનગરીય સ્ટેશનો સહિત સેન્ટ્રલ રેલવેના કુલ 36 રેલવે સ્ટેશનની કાયાપલટ અને નવીનીકરણના પ્રોજેક્ટને લીલી ઝંડી દાખવશે. આ પ્રોજેક્ટ 2025માં માર્ચ મહિના સુધી પૂરો થવાનો અંદાજ છે.
સેન્ટ્રલ રેલવેએ જણાવ્યા મુજબ વડા પ્રધાન 1500 રોડઓવર બ્રિજ (આરઓબી) અને રોડ અંડર બ્રિજ(આરયુબી)નું ઉદ્ઘાટન પણ કરશે. આ ઉપરાંત અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 550 રેલવે સ્ટેશનના રિ-ટ્રાન્સફોર્મેશનનો શિલાન્યાસ પણ મોદીના હસ્તે કરવામાં આવશે, તેવી માહિતી સેન્ટ્રલ રેલવેએ આપી હતી.
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 2274 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. આ યોજના હેઠળ આખા દેશના 1309 રેલવે સ્ટેશનની કાયાપલટ કરી તેમને અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા વર્લ્ડ ક્લાસ કક્ષાના ટર્મિનલમાં ફેરવવામાં આવશે. જેથી પ્રવાસીઓ તેમના સફરનો એક નવો જ અનુભવ કરી શકે અને સામાન્ય નાગરિક પણ અત્યાધુનિક અને સુવિધાજનક સફરનો આનંદ માણી શકે, એમ સેન્ટ્રલ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈના જે સ્ટેશનની કાયાપલટ કરાશે તેમાં ભાયખલા, સેન્ધર્સ્ટ રોડ, ચિંચપોકલી, વડાલા રોડ, માટુંગા, કુર્લા, વિદ્યાવિહાર, મુંબ્રા, દિવા, શહાડ અને ટીટવાલાનો સમાવેશ થાય છે.