મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ: 15 ડબ્બાની સર્વિસ વધશે!

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કલ્યાણ સુધી 15 ડબ્બાની લોકલની ફેરીઓ વધારવા માટે મધ્ય રેલવેના મુંબઈ વિભાગે હિલચાલ શરૂ કરી દીધી છે. આ માટે સીએસએમટીના પ્લેટફોર્મ નંબર પાંચ અને છની લંબાઈ વધારવાનો નિર્ણય પ્રશાસને લીધો છે. પ્લેટફોર્મ વધારવા માટે નડતરરૂપ આરઆરઆઈ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા પ્રશાસને શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: AC Local વધારવાને કારણે નૉન-એસી ટ્રેનોના પ્રવાસીઓની નારાજગી વધી
પ્લેટફોર્મના વિસ્તારીકરણ બાદ 15 ડબ્બાની બાવીસ ટ્રેનસેવા વધારી શકવાનો માર્ગ મોકળો થશે.
મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાં 15 ડબ્બાની લોકલ ઊભી કરવા માટે સાનપાડા કારશેડ અને સીએસએમટી પર 7 નંબરનું પ્લેટફોર્મ એમ બે ઠેકાણાં છે. સીએસએમટી પર અન્ય પ્લેટફોર્મની લંબાઈ 12 ડબ્બાની લોકલ ટ્રેનો ઊભી કરવા પૂરતી જ છે.
15 ડબ્બાની લોકલ ફેરીઓને વધારવા પહેલાં આ ટ્રેનો ઊભી કરવા માટે સીએસએમટી પરના પ્લેટફોર્મ નંબર પાંચ અને છનાં વિસ્તારીકરણમાં રેલવેને સિગ્નલ સંબંધી બિલ્ડિંગ નડતરરૂપ થઇ રહી હતી. હાલમાં જ મધ્ય રેલવેએ એક મોટો બ્લોક હાથ ધર્યો હતો.
બ્લોકના સમયમાં બિલ્ડિંગની યંત્રણાને પ્લેટફોર્મ નંબર 18 પર સ્થળાંતરિત કરવામાં આવી છે. આને કારણે બિલ્ડિંગ પાડવાનો માર્ગ મોકળો થયો છે. હાલમાં બિલ્ડિંગ પૂરી રીતે ખાલી કરવામાં આવી હોઇ તેને જોખમી તરીકે જાહેર કરવામાં આવી છે.
બિલ્ડિંગની આસપાસના બંને માર્ગ પર ટ્રેનવ્યવહારને અસર ન થાય એ માટે તબક્કા વાર બિલ્ડિંગનું તોડકામ પૂરું કરવામાં આવશે. તોડકામ પૂરું કર્યા બાદ જે જગ્યા મોકળી થશે ત્યાં પાંચ અને છ નંબરના પ્લેટફોર્મની લંબાઈ વધારવામાં આવશે. આ માટે 11.11 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે અને તેનું કામ ઓક્ટોબર મહિના સુધીમાં પૂરું થશે, એવું વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.