‘બ્લેક ઍન્ડ વ્હાઇટ’નો ગયો જમાનો:હવે ઝેબ્રા ક્રોસિંગ હશે ‘વ્હાઇટ ઍન્ડ રેડ’
થાણે : થાણે મહાપાલિકા દ્વારા વિવિધ વિસ્તારના ચોકમાં નાગરિકોને સુરક્ષિત રીતે રસ્તો ઓળંગતા ફાવે તે માટે સફેદ અને કાળા રંગના ઝેબ્રા ક્રોસિંગ તૈયાર કરવામાં આવે છે. આ ઝેબ્રા ક્રોસિંગને જોવામાં નાગરિકોને તકલીફ પડતી હોવાથી થાણે મહાપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા તીન હાથ નાકા ચોકમાં ઝેબ્રા ક્રોસિંગના રંગને ટ્રાયલ માટે બદલીને સફેદ અને લાલરંગ આપવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના બાકીના વિસ્તારોમાં પણ ઝેબ્રા ક્રોસિંગના રંગ પણ બદલવામાં આવે એવી શક્યતા છે.
થાણે મહાપાલિકાનો આ વિસ્તાર મુંબઈથી -નાશિક અને અમદાવાદ આ બે હાઇવેને જોડવાનું કામ કરે છે. તેથી શહેરના અનેક વાહનોની આ માર્ગ પર અવર જવર હોય છે. શહેરની અંદર પ્રવેશ કરવા આ મહત્ત્વ ચોક પર નાગરિકોની સુરક્ષા માટે સફેદ અને કળા રંગનું ઝેબ્રા ક્રોસિંગ બનાવવામાં આવ્યું હતું. સિગ્નલ દરમિયાન આ ક્રોસિંગને ક્રોસ કરનાર વાહનો પર કાર્યવાહી કરવામાં આવે છે.
શહેરની મહાપાલિકાએ ઝેબ્રા ક્રોસિંગ બનાવ્યા છતાં તેના નિયમોનું પાલન ન થયાનું દેખાઈ રહ્યું હતું અને હવે આ ઝેબ્રા ક્રોસિંગને ટ્રાયલ બેસિસ પર સફેદ-લાલ રંગ આપવાનો પાલિકાએ નિર્ણય લીધો છે.
આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે ઝેબ્રા ક્રોસિંગનો કાળો અને સફેદ રંગ વધુ કાળો હોવાથી તેને જોવામાં મુશ્કેલી પડે છે તેથી તેને બદલીને સફેદ અને લાલ રંગ આપવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. લાલ અને સફેદ રંગ વધુ વિઝિબલ હોવાને લીધે તે વાહન ચાલકો અને રસ્તો ઓળંગનાર બંનેને સરખી રીતે દેખાશે જેથી ટ્રાફિકના નિયમોનું પાલન થશે. તેથી શહેરના દરેક ઝેબ્રા ક્રોસિંગનો રંગ બદલવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે.