એરપોર્ટ પર 7.69 કરોડનું દાણચોરીનું સોનું પકડાયું: બે પ્રવાસીની ધરપકડ

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે મુંબઈ એરપોર્ટ પર દાણચોરીનું 7.69 કરોડ રૂપિયાનું સોનું પકડી પાડીને બે પ્રવાસીની ધરપકડ કરી હતી.
ડીઆરઆઇના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બુધવારે જયપુરથી મુંબઈની ફ્લાઇટમાં નકલી ઓળખ સાથે પ્રવાસ કરનારા બે પ્રવાસીને મુંબઈ એરપોર્ટ પર આંતર્યા હતા.
બંને પ્રવાસીના સામાનની તલાશી લેવામાં આવતાં ત્રણ પેકેટ મળ્યા હતા, જેમાં વિદેશી મૂળનું 9.4 કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું.
બંને પ્રવાસીની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે સોનું કુવૈતથી દાણચોરીથી લાવવામાં આવ્યું હતું. તે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં અન્ય દાણચોરોએ છુપાવ્યું હતું. ત્યાર બાદ બંને પ્રવાસીએ ડોમેસ્ટિક રૂટ પરથી ફ્લાઇટમાંથી આ સોનું મેળવ્યું હતું.
બંને પ્રવાસી નકલી ઓળખ પર ફ્લાઇટમાં પ્રવાસ કરતા હતા, એવું તપાસમાં સામે આવ્યું હતું. બંનેની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંને પ્રવાસી વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)