સોનામાં રૂ. ૨૩૪ની અને ચાંદીમાં રૂ. ૬૫૫ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી પ્રમુખ જૉ બાઈડન ચૂંટણીની સ્પર્ધામાંથી ખસી જતા આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલો ઘટાડો ઉપરાંત રાજકીય અનિશ્ર્ચિતતા વચ્ચે સોનામાં સલામતી માટેની લેવાલી નીકળતા ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ગત શુક્રવારના વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસા જેટલો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૩થી ૨૩૪ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૬૫૫ની પીછેહઠ જોવા મળી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ ઉપરાંત ઘટતી બજારે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૫૫ ઘટીને રૂ. ૮૮,૩૨૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં ગત શુક્રવારના વિશ્ર્વ બજારનાં નિરુત્સાહી અહેવાલ અને ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૩ ઘટીને રૂ. ૭૨,૭૧૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૩૪ ઘટીને રૂ. ૭૩,૦૦૬ના મથાળે રહ્યા હતા. જોકે, આવતીકાલે જાહેર થનારા અંદાજપત્રમાં સરકાર સોના પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરે તેવી ધારણા હેઠળ આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવાનું બજાર વર્તુળોએ ઉમેર્યું હતું.
ગત સપ્તાહે વૈશ્ર્વિક સોનાના ભાવ ઐતિહાસિક ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ પાછોતરા સપ્તાહમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જોકે, ગઈકાલે અમેરિકી પ્રમુખ જૉ બાઈડન આગામી ચૂંટણીની સ્પર્ધામાંથી ખસી જતાં રાજકીય અનિશ્ર્ચિતતા સપાટી પર આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૪૦૨.૬૧ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૨૪૦૩.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૯.૦૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આ પન વાચો : વૈશ્ર્વિક સોનામાં આગઝરતી તેજી બાદ નફારૂપી વેચવાલીએ ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની અંદર
હાલને તબક્કે રેટ કટનો આશાવાદ અને રાજકીય અનિશ્ર્ચિતતાનો સોનાને ટેકો મળ્યો છે અને વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં સોનાના ભાવ નવી વિક્રમ સપાટીએ પહોંચે તેવી શક્યતા કેપિટલ ડૉટ કૉમનાં વિશ્ર્લેષક ક્યેલ રોડ્ડાએ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે જો અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડ વૉર ઉગ્ર બને તેવી શક્યતા છે અને જો અમેરિકાની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ ચૂંટાશે તો તેઓ વેપાર માટે સંરક્ષાત્મક નીતિ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ફુગાવાલક્ષી દબાણ પણ વધતાં પણ સોનાની તેજીને ટેકો મળતો રહેશે. જોકે હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.