વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૧૧૩૩નું અને ચાંદીમાં રૂ. ૧૯૪૮નું ગાબડું

મુંબઈ: ગત શુક્રવારે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ નોંધાતા સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. આમ ગત શુક્રવારનાં વિશ્ર્વ બજારનાં નિરુત્સાહી અહેવાલ અને આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં પણ ઘટાડો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૩૩નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૯૪૮નું ગાબડું પડ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી હોવાથી ભાવ કિલોદીઠ રૂ. ૧૯૪૮ના ઘટાડા સાથે રૂ. ૮૮,૭૧૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ગત શુક્રવારનાં નિરુત્સાહી અહેવાલ અને ડૉલર સામે રૂપિયામાં ઉછાળો આવતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૨૯ ઘટીને રૂ. ૭૧,૩૨૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૧૩૩ ઘટીને રૂ. ૭૧,૬૧૩ના મથાળે રહ્યા હતા. જોકે, ઘટતી બજારનાં માહોલમાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ હતો, જ્યારે રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહી હોવાના અહેવાલ હતા.
આ પણ વાંચો : મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વચ્ચે વિશ્ર્વ બજાર પાછળ સોનાચાંદીમાં આગેકૂચ
આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગત શુક્રવારના બંધ સામે સાધારણ ૦.૨ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૩૨૫.૭૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને ૨૩૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવા છતાં જૂન મહિનામાં અમેરિકામાં બિઝનૅસ એક્ટિવિટીમ ૨૬ મહિનાની ઊંચી સપાટીએ રહી હોવાના અહેવાલે ગત શુક્રવારે ડૉલર ઈન્ડેક્સ આઠ સપ્તાહની ઊંચી સપાટીએ રહ્યો હોવાથી તેમ જ યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં વૈશ્ર્વિક સોનામાં વેચવાલીનું ભારે દબાણ રહેતાં ભાવમાં એક ટકાનો કડાકો બોલાઈ ગયો હોવાનું કેપિટલ ડૉટ કૉમનાં એનાલિસ્ટ ક્યેલ રોડ્ડેએ જણાવ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર પ્રાઈસ ઈન્ડેક્સ પર હોવાથી આજે સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.