વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૪૩૦નો અને ચાંદીમાં રૂ. ૯૭૬નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના એપ્રિલ મહિનાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં નબળાં આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ ફરી સપાટી પર આવતાં ન્યૂ યોર્ક ખાતે સોના-ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે ભાવમાં સુધારો આગળ ધપ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૮થી ૪૩૦નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૭૬નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નીકળેલી નવેસરથી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૭૬ની તેજી સાથે ફરી રૂ. ૮૦,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૮૦,૯૬૫ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીનો ટેકો મળતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૮ વધીને રૂ. ૭૧,૩૩૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૩૦ વધીને રૂ. ૭૧,૬૨૧ના મથાળે રહ્યા હતા. જોકે, બજારની અપેક્ષાથી વિપરીત ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી માત્ર ખપપૂરતી જ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત સપ્તાહના અંતે અમેરિકાનાં એપ્રિલ મહિનાના જોબ ડેટા નબળા આવ્યા હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ચમકારો જોવા મળ્યો હોવા છતાં એકંદરે સાપ્તાહિક ધોરણે ભાવમાં ૦.૮ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. વધુમાં આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે ભાવમાં સુધારો આગળ ધપતા હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૮૬ ટકા વધીને ઔંસદીઠ ૨૩૨૧.૪૧ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૦૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩૨૨.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૨.૧૪ ટકા ઉછળીને ઔંસદીઠ ૨૭.૧૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી શ્રમ બજારમાં ધીમી પડેલી વૃદ્ધિ અને પહેલા ત્રિમાસિકગાળામાં ફુગાવામાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં હવે ફેડરલ રિઝર્વ આ વર્ષનાં અંત આસપાસ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ ટ્રેડરો મૂકી રહ્યા છે. જોકે, હવે આ સપ્તાહે ફેડરલ રિઝર્વનાં સભ્યો વ્યાજદરમાં કાપ અંગે કેવા નિર્દેશો આપે છે તેના પર બજાર વર્તુળોની નજર હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.