આમચી મુંબઈવેપાર

વૈશ્વિક સોનામાં એક મહિનાની ઊંચી સપાટીએથી નફારૂપી વેચવાલીએ સાધારણ પીછેહઠ

સ્થાનિકમાં શુદ્ધ સોનું રૂ. 497ની તેજી સાથે રૂ. 78,000ની પાર, ચાંદીએ રૂ. 93,000ની સપાટી કુદાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલો નવેમ્બર મહિનાનો ફુગાવો આપેક્ષા મુજબની 2.7 ટકાની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશો સાથે ફેડરલ રિઝર્વ આગામી સપ્તાહની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બનતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાર બાદ વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણે પીછેહઠ જોવા મળી હતી.જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ હતું, જ્યારે ચાંદીના ભાવમાં સુધારો આગળ વધ્યો હતો. આમ વૈશ્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 495થી 497 વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાએ રૂ. 78,000ની સપાટી કુદાવી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 861ની તેજી સાથે રૂ. 93,000ની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 861ની તેજી સાથે રૂ. 93,561ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહેવાની સાથે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની માગને ટેકે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 495 વધીને રૂ. 77,850 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 497 વધીને રૂ. 78,163ના મથાળે રહ્યા હતા.

ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનાના ભાવ એક તબક્કે વધીને ગત છઠ્ઠી નવેમ્બર પછીની સૌથી ઊંચી આૈંસદીઠ 2725.79 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 2717.80 ડૉલરના મથાળે ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 2750.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને હાજરમાં ચાંદીના ભાવ 0.8 ટકાની તેજી સાથે આૈંસદીઠ 32.15 ડૉલરના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો : વર્ષ 2025 સુધી હળવી નાણાનીતિ જાળવવાના ચીનના અણસારે વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં આગેકૂચશુદ્ધ સોનું રૂ. 421 વધીને ફરી રૂ. 77,000ની પાર, ચાંદી રૂ. 1175 ચમકી

અમેરિકા ખાતે ફુગાવામાં અપેક્ષિત વૃદ્ધિ જોવા મળવાની સાથે ફેડરલના રેટકટનો આશાવાદ, રાજકીય-ભૌગોલિક તણાવને લીધે સલામતી માટેની માગ ઉપરાંત સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સોનામાં લેવાલી નીકળતાં સોનાની તેજીને ટેકો મળી રહ્યો હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલના તમામ પરિબળો સોનાની તેજી માટે પ્રેરક છે.

એકંદરે અમેરિકામાં ફુગાવામાં સતત સાતમા મહિનામાં સાધારણ વૃદ્ધિ આગળ ધપી હોવા છતાં રોજગારી ક્ષેત્રે પણ સુધારો જોવા મળી રહ્યો હોવાથી ગઈકાલે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 98 ટકા શક્યતા ટ્રેડરો મૂકી રહ્યા હતા. વધુમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ આજની બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાની સાથે વર્ષ 2025માં પણ હળવી નાણાનીતિ અપનાવવાના સંકેત આપે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. જોકે, હવે રોકાણકારોની નજર આજે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ પર તેમ જ આવતી કાલે જાહેર થનારા રોજગારીના ડેટા પર સ્થિર થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button