ડૉલર ચાર મહિનાની ટોચે પહોંચતા વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહને તળિયે
સ્થાનિક સોનું રૂ. 1580 ગબડીને રૂ. 77,000ની અંદર ચાંદી રૂ. 2748 ગબડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પના વિજય સાથે ડૉલર ઈન્ડેક્સમાં તેજીનું વલણ રહેતાં ચાર મહિનાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ગત 15મી ઑક્ટોબર પછીની નીચી સપાટી સુધી ગગડી ગયા હતા. વધુમાં આજે પણ વિશ્વ બજારમાં ડૉલર મજબૂત રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં ભાવઘટાડો આગળ વધ્યો હતો. જોકે, રોકાણકારોની નજર આજે પૂરી થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના નિર્ણય પર હોવાથી ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1574થી 1580 ગબડીને રૂ. 77,000ની અંદર અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2748 તૂટીને રૂ. 91,000ની અંદર ઉતરી ગયા હતા.
વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળતાં ભાવમાં ગાબડાં પડ્યાં હતાં. ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 2748ના ઘટાડા સાથે રૂ. 91,000ની સપાટી ગૂમાવીને રૂ. 90,153ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ રોકાણકારો અને સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1574ના કડાકા સાથે રૂ. 76,249 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1580 તૂટીને રૂ. 76,556ના મથાળે રહ્યા હતા.
ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ગત 15મી ઑક્ટોબર પછીની નીચી સપાટી સુધી પહોંચ્યા બાદ ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલરમાં મજબૂત વલણ જળવાઈ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 2657.65 ડૉલર અને વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 2665.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 31.06 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં દોઢ કરોડ રૂપિયાના સોનાના પાવડરની ચોરી, છ આરોપીની પકડાયા
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પનો વિજય થવાથી ડૉલરમાં તેજીનો પવન ફૂંકાતા સોનામાં નરમાઈનું વલણ જોવા મળી રહ્યું છે તેમ જ ડૉનલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ હેઠળ અમેરિકી ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ જાળવી રાખશે કે કેમ તે અંગે રોકાણકારોમાં અવઢવમાં મૂકાઈ ગયા છે. જોકે, આજે બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ મુખ્યત્વે નજર બેઠક પશ્ચાત્ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર મંડાયેલી રહેશે.
એકંદરે ટ્રમ્પની નીતિ ફુગાવાલક્ષી હોવાથી શક્યતઃ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ ઘટાડો કરે તો સોના પર તેની માઠી અસર પડી શકે છે, પરંતુ તેની સકારાત્મક પાસાંમાં અમેરિકાની અંદાજપત્રીય ખાધ અને ખોરવાયેલી રાજકોષીય શિસ્તતા હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના માર્કેટ એનાલિસ્ટ કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું. જોકે, અમુક વિશ્લેષકો સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં વર્ષ 2025ના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ 3000 ડૉલર સુધી પહોંચે તેવી ધારણા મૂકી રહ્યા છે.