મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતા વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૭૦૧નો ઉછાળો, ચાંદીમાં રૂ. ૧૮૦નો ધીમો સુધારો
છથી આઠ મહિનામાં સોનાના ભાવ વધીને ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા : સિટી ઈન્ડેક્સ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન-ઈઝરાયલ વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થતાં સોનામાં સલામતી માટેની પ્રબળ માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ હતા, જ્યારે ચાંદીના ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હતો. એકંદરે મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવને ધ્યાનમાં લેતા સિટી ઈન્ડેક્સે આગામી છથી આઠ મહિનામાં સોનાના ભાવ વધીને ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મઘ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે, ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૯૯થી ૭૦૧ની તેજી આગળ ધપી હતી, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૮૦નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૮૦ના સુધારા સાથે રૂ. ૮૩,૬૩૨ના મથાળે રહ્યા હતા. જોકે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં તેજી આગળ ધપતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૯૯ વધીને રૂ. ૭૩,૨૨૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૦૧ વધીને રૂ. ૭૩,૫૧૪ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શાંત હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
તાજેતરમાં વૈશ્ર્વિક સોનાને મધ્યપૂર્વના દેશોની તણાવની સ્થિતિનો લાભ મળી રહ્યો છે અને રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો પણ ટેકો મળી રહ્યો હોવાનું સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૩૮૫.૩૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૮ ટકા વધીને ૨૪૦૧.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૬૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે વૈશ્ર્વિક સ્તરે ફુગાવામાં થનારા સંભવિત વધારાને કારણે પણ સોનામાં મક્કમ અન્ડરટોન પ્રવર્તી રહ્યો હોવાનું સેમ્પસને જણાવતાં ઉમેર્યું હતું કે જો સત્ર દરમિયાન ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની ઊપજ જશે તો નફારૂપી વેચવાલીની શક્યતા નકારી ન શકાય. જોકે, સિટી ઈન્ડેક્સે આગામી છથી આઠ મહિનામાં સોનાના ભાવ વધીને ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે.