આમચી મુંબઈવેપાર

રૂપિયો ગબડતાં સોનામાં રૂ. ૨૪૭નો અને ચાંદીમાં રૂ. ૧૦૧૮નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને સાધારણ નરમાઈતરફી રહ્યાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક સ્તરે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ૧૪ પૈસા જેટલો તૂટીને ક્વૉટ થઈ રહ્યો હતો. આમ ડૉલર સામે રૂપિયો નબળો પડતાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૬થી ૨૪૭નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૧૮નો ચમકારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલની ગાંધી જયંતીની જાહેર રજા બાદ આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈ અને વિશ્ર્વ બજારનાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૬ વધીને રૂ. ૭૫,૪૫૯ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૪૭ વધીને રૂ. ૭૫,૭૬૨ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે હાજરમાં ભાવ આગલા બંધ સામે કિલોદીઠ રૂ. ૧૦૧૮ વધીને રૂ. ૯૦,૯૦૦ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો :ડૉલર મજબૂત થતાં વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ, રોકાણકારોની નજર અમેરિકાના રોજગારીના ડેટા પર

વૈશ્ર્વિક સ્તરે હાલમાં રોકાણકારોની નજર અમેરિકાના આઈએસએમ સર્વિસીસ ડેટા અને નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા આજે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૧ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૬૫૩.૯૫ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ૨૬૭૪.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૬૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કપાત માટે મુખ્યત્વે રોજગારીના ડેટા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે તેમ હોવાથી રોકાણકારોની મીટ રોજગારીના ડેટા પર મંડાયેલી છે. જોકે, ગત બુધવારે જાહેર થયેલા સપ્ટેમ્બર મહિનાના ખાનગી રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી રોજગારી ક્ષેત્રમાં સ્થિતિ વધુ ખરડાતી અટકી હોવાનું જણાયું હોવા છતાં આવતીકાલે નોન ફાર્મ પૅ રૉલ ડેટા કેવા આવે છે તેના પર બજાર વર્તુળોની નજર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા જે ગઈકાલે ૪૯ ટકા દર્શાવાઈ રહી હતી તે આજે ઘટીને ૩૭ ટકા દર્શાવાઈ રહી છે, જ્યારે ૨૫ બેસિસ પૉઈન્ટની કપાતની શક્યતા ૬૩ ટકા બજાર વર્તુળો જોઈ રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત