Gold Price Mumbai: ઝવેરી બજારમાં આજે પણ સોનાના ભાવમાં જોવા મળી તેજી, જાણો આજના રેટ…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત સામે 25 ટકા ટેરિફ લાદવાનો અમલ કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં તેજી આગળ ધપી હતી, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્વિક અહેવાલોને અનુસરતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 237થી 238નો સુધારો આગળ ધપ્યો હતો.
Also read : Ajax Engineering IPO:આઇપીઓ ખૂલતા પૂર્વે જ ગ્રે માર્કેટમાં બોલબાલા, રોકાણ કરતાં પૂર્વે જાણો સંપૂર્ણ વિગતો
જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 67 પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે વિશ્વ બજાર પાછળ ચાંદીમાં પણ નફારૂપી વેચવાલી રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવમાં કિલોદીઠ રૂ. 1,123નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે ચાંદીમાં ઊંચા મથાળેથી ભાવમાં 0.8 ટકાનો ઘટાડો આવ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1123ના ઘટાડા સાથે રૂ. 94,410ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 237 વધીને રૂ. 85,559 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 238 વધીને રૂ. 85,903ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ટ્રમ્પની ટેરિફની નીતિઓને કારણે વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉર સર્જાવાની ભીતિ ઉપરાંત અમેરિકા ખાતે પણ ફુગાવામાં વધારો થવાની શક્યતા પ્રબળ બની હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની વ્યાપક માગ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ 0.3 ટકા વધીને ઔંસદીઠ 2916.37 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે ભાવ વધીને ઔંસદીઠ 2942.70 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ આજે વાયદામાં ભાવ પણ 0.3 ટકા વધીને 2941.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા ઘટીને ઔંસદીઠ 31.78 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ટેરિફની ભીતિ હેઠળ ચાંદીને સલામતી માટેની માગનો ટેકો મળતો હોય છે, પરંતુ સાથે સાથે ટેરિફને કારણે ઔદ્યોગિક માગમાં ઘટાડો થવાની ભીતિ પણ સેવાઈ રહી હોવાથી ચાંદીમાં સુધારો મર્યાદિત જોવા મળી રહ્યો હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
Also read : Gold Price: સોનાના ભાવમાં વધારો થતા અમદાવાદમાં સોનાની ખરીદીનો ટ્રેન્ડ બદલાયો
અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદી હતી અને તેમાં કોઈને મુક્તિ નથી આપવામાં આવી કે કોઈ દેશને બાકાત નથી રાખવામાં આવ્યા આથી ટ્રેડ વૉરની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગને ટેકે વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાના ભાવે આઠ વખત ઊંચી સપાટી દાખવી છે. ટ્રેડ વૉરની ભીતિને કારણે નાણાં બજાર પણ દબાણ હેઠળ આવી રહ્યા હોવાથી રોકાણકારો સોના તરફ વધુ વળ્યા હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું.