સોનામાં વધુ રૂ. ૨૧૩ની અને ચાંદીમાં રૂ. ૫૦૬ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ અને મધ્યપૂર્વના દેશો વચ્ચે તણાવ વધતાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૨થી ૨૧૩નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી ૧૫ પૈસા જેટલો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાથી પણ ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૫૦૬નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને ડૉલર સામે સુધારાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૧૨ ઘટીને રૂ. ૬૮,૮૨૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૧૩ ઘટીને રૂ. ૬૮,૯૦૪ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકો સહિત રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૦૬ ઘટીને રૂ. ૭૮,૪૪૪ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટ્યા મથાળેથી ૦.૩ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધી આવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪૦૩.૨૨ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૦૨ ટકા વધીને ૨૪૪૩.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ ૧.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬.૮૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો :સ્થાનિક સોનામાં ₹ ૧૨૭૦નો અને ચાંદીમાં ₹ ૪૫૫૧નો કડાકો
જો આગામી દિવસોમાં અમેરિકાના આર્થિક ડેટાઓ નબળા આવશે તો ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અખત્યાર કરે તેવી શક્યતા પ્રબળ બનતા સોનું વધીને ઔંસદીઠ ૨૫૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા એએનઝેડ કૉમૉડિટીના સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવ્યું હતું. વધુમાં હાલ ટ્રેડરોની નજર સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનના આર્થિક ડેટાઓ પર તેમ જ મધ્યપૂર્વના દેશોની રાજકીયભૌગોલિક સ્થિતિ પર પણ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
હાલ વૈશ્ર્વિક બજારમાં ટ્રેડરો ફેડરલ રિઝર્વ આ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં ૧૧૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો અંદાજ મૂકી રહ્યા છે. તેમ જ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી ૭૦ ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.