વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં સોનાના ભાવમાં તેજીનો અભાવ, શું વધુ સસ્તું થશે Gold ?

મુંબઈ : અમેરિકામાં મંદીના સંકેત, વૈશ્વિક અનિશ્ચિતતા, અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોર છતાં પણ સોનાના(Gold) ભાવ સ્થિર રહ્યા છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો હોત. આવું કેમ થઈ રહ્યું છે? શું સોનાના ભાવમાં ઉછાળો આવશે કે વધુ ઘટશે? બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ હાલમાં સ્થિતિ અલગ જ જોવા મળી રહી છે.
સોનું શેરબજારની હિલચાલ મુજબ ટ્રેડ થયું
આ સમગ્ર બાબતને સમજીએ તો શુક્રવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોનાના ભાવ રૂપિયા 69,850 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. જે ગત શુક્રવારના બંધ ભાવ રૂપિયા 69,792 પ્રતિ 10 ગ્રામ કરતાં રૂપિયા 58 પ્રતિ 10 ગ્રામ વધારે છે. COMEX સોનું ટ્રોય ઔંસ દીઠ ડોલર 2,470 પર બંધ થયું. જે ગયા સપ્તાહના અંતે ડોલર 2,486ના બંધથી ડોલર 16 ઘટીને ડોલર 2,470 પર બંધ થયું.
સોનાના ભાવમાં મોટો ઉછાળો અપેક્ષિત હતો
ત્યારે સોનાના ભાવમાં ગયા અઠવાડિયે થયેલી હિલચાલ મોટાભાગના સોનાના રોકાણકારો માટે આશ્ચર્યજનક છે કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવમાં મોટો ઉછાળો અપેક્ષિત હતો. જો કે તેનાથી વિપરિત, સોનાનો ભાવ શેરબજારની હિલચાલ મુજબ રહ્યો. જેમાં શુક્રવારના ઉચ્ચતમ સ્તરથી સોમવારના ન્યૂનતમ સ્તર સુધી 4.40 ટકાનો ઘટાડો થયો. તેમજ સોમવારે ન્યૂનતમ સ્તરથી 2.50 ટકાનો વધારો જોવા મળ્યો
સોનું સસ્તું થશે કે ફરી વધશે?
કોમોડિટી માર્કેટના જાણકારોના મતે આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. સોનું મર્યાદિત શ્રેણીમાં વેપાર કરશે. કારણ કે ઓગસ્ટની શરૂઆતમાં સોનાની કિંમતની ટોચ જુલાઈના રેકોર્ડ કરતાં ઓછી હતી. વધુમાં ત્રણ દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે જે આડકતરી રીતે લાંબા ગાળાના વેચાણમાં ઘટાડો સૂચવે છે. વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદી ધીમી કરી છે. પરંતુ છૂટક વેચાણ ચાલુ રહે તેવી શક્યતા છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા એવો અંદાજ છે કે સોનાના ભાવમાં કોઈ મોટો વધારો કે ઘટાડો નહીં થાય.