આમચી મુંબઈવેપાર

વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૯૮નો ઘટાડો, ચાંદી રૂ. ૫૫૯ ગબડી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોનાં તણાવ ઉપરાંત ફેડરલ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે સતત પાંચ સત્રના ઘટાડા બાદ સોનાના ભાવમાં ૦.૮ ટકાનો અને ચાંદીના ભાવમાં ૧.૧ ટકા જેટલો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક અહેવાલોને અવગણીને પાંખાં કામકાજો વચ્ચે સોનાા ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૫૫૯નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૫૯ના ઘટાડા સાથે રૂ. ૭૮,૬૦૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૮ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૮,૫૬૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ.૬૮,૮૪૩ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો : મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે આ ખાસ વંદે ભારત ટ્રેન, મુસાફરોની મળશે વધુ સુવિધા

વધુમાં આજે વૈશ્ર્વિક સ્તરે મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ, ફેડરલ દ્વારા રેટ કટનો આશાવાદ અને અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં ઘટાડો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૩૯૯.૫૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૪૩૭.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે હાજરમાં ચાંદીના ભાવ ૧.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૬.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે સોનામાં લાંબાગાળે ભાવમાં મજબૂત અન્ડરટોન રહે તેવાં પરિબળો છે, જેમાં ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો જેવા કારણોનો સમાવેશ થતો હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્ર્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે જેપી મોર્ગન, સિટી ગ્રુપ અને વેલ્સ ફાર્ગો જેવા બ્રોકરેજ હાઉસોએ અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા બાદ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

જોકે, આજે બજાર વર્તુળોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના બેરોજગારીનાં ડેટા અને રિચમન્ડ ફેડનાં પ્રમુખ ટોમ બાર્કિનના વક્વ્ય પર સ્થિર થઈ છે. વધુમાં મધ્ય પૂર્વની તણાવની સ્થિતિ નજીકના ભવિષ્યમાં થાળે પડે તેવી શક્યતા નથી જણાતી આથી સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૩૫૦ આસપાસ કોન્સોલિડેટ થયા બાદ વર્ષના અંત સુધીમાં ૨૫૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વિન્ગ ફંગ પ્રીસિયસ મેટલનાં વિશ્ર્લેષક પીટર ફંગે વ્યક્ત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button