આમચી મુંબઈશેર બજાર

મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં આજે જોવા મળ્યો ચમકારો, જાણો લેટેસ્ટ ભાવ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થતી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું અને વાયદામાં ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ ટકેલું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે બન્ને કિંમતી ધાતુઓમાં સુધારો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 504થી 506 વધી આવ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીમાં પણ ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ,. 678 વધીને ફરી રૂ. 90,000ની સપાટી વટાવી ગયા હતા.

Also read : Stock market: Zomatoમાં 44,600 કરોડનું ધોવાણ, આગળ શું?

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ફરી આૈંસદીઠ 30 ડૉલરની સપાટી કુદાવી ગયા હોવાથી સ્થાનિકમાં આજે મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 678 વધીને રૂ. 90,428ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 504 વધીને રૂ. 80,495 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 506 વધીને રૂ. 80,819ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક સમાપન થઈ રહી હોવાથી વિશ્વ બજારમાં રોકાણકારોની નજર બેઠકની ફળશ્રુતિ પર હોવા છતાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિ અંગેની ભીતિ સપાટી પર હોવાથી આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 2761.93 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ 0.1 ટકાના સુધારા સાથે 2769.80 ડૉલરના મથાળે ટકેલા રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 30.39 ડૉલરની સપાટીએ ટકેલા રહ્યાં હતાં.

ગત સપ્તાહે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં બોલાયેલા કડાકાને પગલે થયેલી નુકસાની સરભર કરવા માટે ગત સોમવારે રોકાણકારોની સોનામાં નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં એક ટકા જેટલું ગાબડું પડ્યું હતું અને સોનાના ભાવ આૈંસદીઠ 2790 ડૉલરની સર્વોચ્ચ સપાટી કુદાવવામાં નિષ્ફળ ગયા હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે ટ્રમ્પની પ્રસ્તાવિત નીતિ રાજકોષીય ખાધ અને દેવુ વધારનારી હોવાથી સોનાને હેજરૂપી માગનો ટેકો મળતો રહેશે.

ગત સાલ સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 100 બેસિસ પૉઈન્ટનો ઘટાડો કર્યો બાદ આજે સમાપન થતી વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2025ની પહેલી બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્‌‍ રાખે તેવી ધારણા બજાર વર્તુળો રાખી રહ્યા છે. તેમ છતાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ ડૉનલ્ડ ટ્રમ્પની વ્યાજદરમાં કપાતની હાકલનો કેવો પ્રતિસાદ આપે છે તે જોવું પણ રસપ્રદ રહેશે, એમ સૂત્રો જણાવે છે. જોકે, ટ્રમ્પની નીતિ ફુગાવાવૃદ્ધિલક્ષી હોવાથી ફેડરલ રિઝર્વ પાસે વ્યાજદરમાં કપાચનો અવકાશ બહુ ઓછો રહેશે, એવું બજાર વર્તુળોનું માનવું છે.

Also read : IPO Market : આઈપીઓ રોકાણકારો માટે સારા સમાચાર, સેબી કરી રહી છે આ તૈયારી

દરમિયાન લંડન બુલિયન માર્કેટ એસોસિએશન(એલબીએમએ)એ પારદર્શકતામાં વધારો કરવા માટે ગોલ્ડ બાર (સોનાની લગડી) માટે ડિજિટલ ડેટા બેઝનો આરંભ કર્યો છે અને એલબીએમએનાં અધિકૃત રિફાઈનરો આ બોર્ડ પર આવે તેવું ઈચ્છે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button