
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો ગોપાલકૃષ્ણ ગોખલે પુલના કામમાં રહેલી બીજી એક અડચણ પણ હવે દૂર થઈ ગઈ છે. પુલના બાંધકામને આડે આવતા ૨૮ બાંધકામ હટાવ્યા બાદ હવે રેલવે પરિસરમાં રહેલું વિશાળ હૉર્ડિંગ્સ પણ આખરે હટાવી દેવામાં આવ્યું છે.
જોકે ગોખલે પુલ માટે ગર્ડર લૉન્ચિંગ અને અસેમ્બિંલગનું કામ હવે રેલવે પ્રશાસન મેગા બ્લોક કયારે આપે છે તેના પર આધાર રાખે છે, એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો ગોપાલકૃષ્ણ ગોખલે પુલ મુખ્ય ક્નેક્ટર છે. અત્યાર સુધી અનેક વખત તેની ડેડલાઈન ચૂકી ગયેલા આ પુલની એક તરફની લેન ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ખુલ્લો મુકાવાની શક્યતા છે. પુલના બાંધકામને આડે અત્યાર સુધી અનેક અડચણો આવી છે, જેને કારણે બ્રિજને ખુલ્લો મૂકવાની ડેડલાઈન લંબાતી ગઈ છે.
ગોખલે પુલના બાંધકામના સ્થળે ક્રેન લઈ જવાના માર્ગમાં ૩૩ બાંધકામ અને વિશાળ હૉર્ડિંગ્સ અડચણરૂપ બની રહ્યા હતા. અઠવાડિયા અગાઉ પાલિકાએ તમામ બાંધકામ હટાવી દીધા હતા અને ત્યારબાદ રેલવે પરિસરમાં રહેલા હૉર્ડિંગ્સને હટાવવાનું કામ હાથ ધર્યું હતું. રવિવારના પશ્ર્ચિમ રેલવેએ મેગાબ્લોક હાથ ધર્યો હતો, એ દરમિયાન હૉર્ડિંગ્સ હટાવવાનું થોડું બાકી રહી ગયેલું કામ પૂરું કરવામાં આવ્યું હતું.
બ્રિજના કામને આડે રહેલા બાંધકામ અને હૉર્ડિંગ્સ હટી જવાને કારણે બહુ જલદી હવે ગર્ડર બેસાડવાનું કામ ચાલુ કરવામાં આવે એવી શક્યતા છે. પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસુ (પ્રોજેક્ટ)એ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે હૉર્ડિંગ્સ હટાવવાનું કામ પૂરું થઈ ગયું છે. ગોખલે પુલનું કામ તેના શેડ્યુલ મુજબ જ ચાલી રહ્યું છે અને આપેલી મુદતમાં જ તેની એક લેન ખુલ્લી મુકાશે. ગર્ડર લોન્ચિંગ અને અસેમ્બલિંગના કામ માટે હવે મેગાબ્લોકની આવશ્યકતા રહેશે.
રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે રેલવે પરિસરમાં રહેલા વિશાળ હૉર્ડિંગ્સને હટાવી દેવામાં આવ્યું છે. આગળના કામ માટે જ્યારે હવે પાલિકા પ્રશાસન મેગાબ્લોકની માગણી કરશે ત્યારે એ પ્રમાણે તેમને મદદ કરશું.