આમચી મુંબઈ

BMCનો અંધેર કારભાર કે સોશિયલ મીડિયાની ઉપજ?

કોસ્ટલ રોડમાં ગોખલે પુલવાળી: બેે ગર્ડર ઊંચા-નીચા પાલિકાએ આપી સ્પષ્ટતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અંધેરીના ગોખલે અને બરફીવાલા પુલમાં નિર્માણ થયેલી ઊંચાઈનો તફાવતને લઈને મુંબઈ મહાનગરપાલિકાના અંધેર કારભારની ભારે ટીકા થઈ હતી અને હવે કોસ્ટલ રોડ અને બાન્દ્રા-વરલી સી લિંકના જોડાણ દરમિયાન બે ગર્ડરમાં રહેલા અંતરને કારણે નિર્માણ થયેલી ઊંચાઈનો તફાવતને લગતા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરી સુધરાઈના કામ સામે આંગળી ચીંધાઈ રહી છે ત્યારે પાલિકાએ ટેક્નિકલ કારણ રજૂ કરીને મુંબઈગરાએ ડરવાની જરૂર ન હોવાની સ્પષ્ટતા કરી છે.

બાન્દ્રા-વરલી સી લિંક અને કોસ્ટલ રોડને જોડીને તેને વાહનવ્યવહાર માટે બહુ જલદી ખુલ્લો મુકવાનું કામ પાલિકા દ્વારા ચાલી રહ્યું છે, તે માટે બંને બાજુએ બો સ્ટ્રિંગ આર્ચ ગર્ડરની જોડણનું કામ પૂરું થયું છે અને તેના પર સર્ફેસિંગનું કામ ચાલી રહ્યું છે. જોકે આ બંને ગર્ડરમાં રહેલી ઊંચાઈનો તફાવત સોશિયલ મિડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. ગોખલે પુલની માફક જ શું ફરી એક વખત કોસ્ટલ રોડમાં એન્જિનિયરિંગ ભૂલ થઈ છે એવો સવાલોના મારા સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે.

મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં કોસ્ટલ રોડને બાન્દ્રા-વરલી સી લિંક સાથે જોડવો એક મહત્ત્વનો તબક્કો છે. કોસ્ટલ રોડને કારણે મરીન લાઈન્સથી વરલીનો પ્રવાસ મિનિટોમાં પાર કરી શકાશે. મુંબઈગરા મરીન લાઈન્સથી સીધા બાન્દ્રા મિનિટોમાં પહોંચી શકશે. જોકે વરસાદને કારણે રસ્તા પરના કૉંક્રીટીકરણનું અને ક્યુરિંગનું કામ ઘીમી ગતિએ ચાલી રહ્યું છે ત્યારે વરલી સી લિંક પાસે બો સ્ટ્રિગ આર્ચ ગર્ડરમાં ઊંચાઈનો તફાવત દેખાઈ રહ્યો છે.

કોસ્ટલ રોડ અને બાન્દ્રા વરલી સી લિંકને જોડવા માટે બે મહાકાય બો સ્ટ્રિંગ આર્ચ ગર્ડરને જોડવામાં આવ્યા છે. એકની લંબાઈ ૨૭ મીટર તો બીજાની લંબાઈ ૧૭ મીટર છે. આ મહાકાય ગર્ડરના વજનને ઝીલવા માટે ગર્ડરના નીચે એક તરફ ત્રણ મીટરનો તો બીજી તરફ સાડા ત્રણ મીટર ઊંચાઈનો આધાર આપવામાં આવ્યો છે. તેથી બંને ગર્ડરની ઊંચાઈ એક સમાન દેખાતી ન હોવાનું કોસ્ટલ રોડનું કામ કરનારા અધિકારીએ જણાવ્યું હતું.

એ સિવાય બાન્દ્રા-વરલી સી લિંકને મરીન લાઈન્સ પરથી જનારો રસ્તો આ ગર્ડર પરથી વળાંક લેતો હોવાને કારણે તે ઉપર નીચે દેખાતો હોવાની સ્પષ્ટતા પણ અધિકારીએ કરી હતી. કોસ્ટલ રોડ પાલિકા માટે મહત્ત્વનો પ્રોજેક્ટ હોવાથી તેના જોડણમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવામાં આવશે નહીં. તેથી મુંબઈના નાગરિકોએ કોઈ પણ પ્રકારનો ડર મનમાં રાખવો નહીં એવી ચોખવટ પણ અધિકારીએ કરી હતી.

નોંધનીય છે કે કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. ૧૦.૫૮ કિલોમીટરના કોસ્ટલ રોડ અને ૪.૫ કિલોમીટર લંબાઈનો બાન્દ્રા-વરલી સી લિંકને જોડવા માટે બે મહાકાય ગર્ડર બેસાડવામાં આવ્યા છે. તેથી બહુ જલદી બાન્દ્રાથી દક્ષિણ મુંબઈ સુધીનો પ્રવાસ ફક્ત ૧૨ મિનિટમાં પાર કરી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button