આમચી મુંબઈ

બોલો, ફરી પાછું ગોખલે બ્રિજનું કામકાજ લટક્યું, હવે આ મહિને થઈ શકે છે શરૂ

મુંબઈ: અંધેરી ખાતે આવેલા ગોખલે બ્રિજ (Gokhale Bridge)ના એક તરફના ભાગના ઉદ્ઘાટનની તારીખ ફરી એક વખત રખડી પડી છે. આ બ્રિજના એક બાજુના ભાગને ફેબ્રુઆરીમાં ખુલ્લો મૂકવાની યોજના હતી, પણ હવે તેને માર્ચના પહેલા અઠવાડિયામાં ખુલ્લો મૂકવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી ઉદ્ઘાટનની રાહ જોવામાં આવી રહી છે ત્યારે હવે ગોખલે બ્રિજને સંપૂર્ણ રીતે ખુલ્લો મૂકવાનું કામ પણ મે-ડિસેમ્બર સુધી લંબાઈ શકે એવું અધિકારીએ જણાવ્યું હતું.

અંધેરી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડનારા આ બ્રિજના કામકાજમાં વારંવાર મોડું થતાં ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ રહી છે. ગોખલે બ્રિજના એક તરફના ભાગને શરૂ કરવાની પાંચ ડેડલાઇન પહેલાથી જ ચૂકી ગયા હતા અને હવે આ છઠ્ઠી ડેડલાઇનમાં 25 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જોકે બ્રિજના કામકાજને પૂર્ણ કરતાં વધુ 10 દિવસ જેટલો સમય લગતા માર્ચના પહેલા અઠવાડિયા સુધી કદાચ બ્રિજના એક તરફના ભાગને ખુલ્લો મુકાશે એવો અધિકારીએ દાવો કર્યો હતો.


ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના એક વિધાનસભ્યએ કહ્યું હતું કે ગોખલે બ્રિજને ફાઇનલ ટચ આપવાનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજને એસવી રોડ સાથે કનેક્ટ કરવા અને મેસ્ટિક લેયરના કામકાજને કારણે વધુ સાતથી 10 દિવસ લાગી શકે છે અને જેમ આ કામકાજ પૂર્ણ થશે તેમ બ્રિજને શરૂ કરવામાં આવશે. આ બ્રિજને માર્ચમાં ખુલ્લો મૂકવામાં આવશે.


એક તરફના ભાગને ખુલ્લો મૂક્યા બાદ 2.8 બેરિયરની ઊંચાઇ રાખવામાં આવી છે, જેથી તેનાથી વધુ ઊંચાઈવાળા વાહનોને બ્રિજ પર પ્રવેશબંધી રહેશે. આ બ્રિજને 31 મે સુધી પૂર્ણ રીતે શરૂ કરવાનો અમારો પ્રયત્ન છે અને ત્યાર બાદ દરેક વાહનોને બ્રિજ પરથી અવરજવરની પરવાનગી આપવામાં આવશે એવો ભાજપના વિધાનસભ્યેએ દાવો કર્યો હતો.


આ બ્રિજનું માત્ર એક તરફનું કામ ચાલી રહી છે. બીજા તરફના કામને હજી શરૂ કરવામાં આવ્યું નથી. બ્રિજના ગર્ડર્સને ફેક્ટરીમાં નિર્માણ કરવામાં આવી રહ્યા છે. આ કારણથી 31 મેની ડેડલાઇન પણ ચૂકી શકે છે. બ્રિજના ગર્ડર અને થાંબલા એક વખત આવી ગયા બાદ બ્રિજ 31 ડિસેમ્બર 2024 સુધી પૂર્ણ રીતે શરૂ થશે એવી માહિતી સૂત્રોએ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button