આમચી મુંબઈ

…તો મુંબઈથી પુણે જવાનું વધુ ઝડપી બનશે, મધ્ય રેલવેના બે કોરિડોરનો પ્રસ્તાવ

મુંબઈ: મુંબઈ અને પુણે વચ્ચેનો પ્રવાસ વધુ આરામદાયક અને ઝડપી બનાવવા માટે મધ્ય રેલવેએ નવા ઉપાયો પર કામ શરૂ કર્યું છે. કર્જતથી તળેગાવ (૭૨ કિમી) અને કર્જતથી કામશેત (૬૨ કિમી) એમ બે નવા રેલવે માર્ગ શરૂ કરવાનો પ્રસ્તાવ છે. આ નવા માર્ગોને કારણે પ્રવાસીઓને લોનાવલા ન જતા ડાયરેક્ટ પુણે જવાનું શક્ય થશે. આ નવા માર્ગ પર મેલ-એક્સ્પ્રેસની ગતિ ઝડપી બનશે, તેથી નવી ૧૦ ટ્રેન દોડાવવાનું શક્ય બનશે.

મુંબઈ-પુણે દરમિયાન રેલવે માર્ગમાં લોનાવલા-ખંડાલાનો ઘાટ આવતો હોય છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘાટ વિસ્તારમાંથી ટ્રેનો પ્રતિ કલાકે ૬૦ કિમીની ઝડપે દોડતી હોય છે. નવા માર્ગમાં ઘાટ ન આવતો હોવાને કારણે ટ્રેનો પ્રતિ કલાકે ૧૧૦ કિમીની ઝડપે દોડી શકશે. બન્ને માર્ગનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આમાંથી એક માર્ગ મંજૂર થયા બાદ તેનું કામ શરૂ કરવામાં આવશે, એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : કોસ્ટલ રોડ પર હૉર્ડિંગ્સ લગાવવા સામે એન્યવાર્યમેન્ટલ ઍક્ટિવિસ્ટોનો વિરોધ

કર્જતથી તળેગાવ વચ્ચેનું અંતર ૫૭ કિમી છે, જ્યારે નવા માર્ગમાં આ અંતર ૭૨ કિમી સુધી પહોંચશે. કર્જત અને કામશેત વચ્ચેનું અંતર ૪૪ કિમી છે, નવા માર્ગનું અંતર ૬૨ કિમી રહેશે. ઘાટ સિવાય પર્વતિય વિસ્તારની બાદબાકી કરવામાં આવનાર હોવાથી નવા માર્ગનું અંતર વધુ હશે.

પનવેલમાં મેગા ટર્મિનસ બનાવવાની તથા કલ્યાણ યાર્ડની કાયાપલટ કરવામાં આવશે. આ સિવાય લોકમાન્ય ટિળક ટર્મિનસ (એસટીટી)માં નવા પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યા છે. મધ્ય રેલવેમાં પનવેલ, કલ્યાણ અને એલટીટીથી પુણે સુધી ૧૦ નવી ટ્રેન દોડવવા માટે નવી જગ્યા ઉપલબ્ધ થશે.

કેટલો ખર્ચ થશે?
આ પ્રકલ્પનું કામ શરૂ થયા બાદ ચાર વર્ષ બાદ તેનું કામ પૂર્ણ થશે. કર્જતથી તળેગાંવ નવા માર્ગ માટે રૂ. ૧૬,૦૦૦ કરોડ અને કર્જતથી કામશેત નવા માગ૪ માટે રૂ. ૧૦,૨૦૦ કરોડનો ખર્ચ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button