Navratri: માતાજીની મૂર્તિઓ ૧૫ ટકા મોંઘી થઇ

મુંબઈ: ગણેશોત્સવ બાદ હવે મુંબઈગરાઓ નવરાત્રિની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. વર્કશોપમાં માતાજીની મૂર્તિને આખરી ઓપ આપવાનું કામ શરૂ થઇ ગયું છે. અલગ અલગ વર્કશોપમાં અંબામા, મહિષાસુરમર્દિની, રેણુકા, કોલ્હાપુરની મહાલક્ષ્મી, તુળજાભવાની, સપ્તશ્રૃંગી, કાળી માતા વગેરે દેવીના સ્વરૂપોની છથી સાત ફૂટની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે.
આ વર્ષે માતાજીની મૂર્તિઓની કિંમતમાં વધારો થયો છે અને ૩,૦૦૦થી લઇને ૧૮,૦૦૦ રૂપિયા સુધીની કિંમત થઈ ગઇ છે. અત્યાર સુધી દસથી ૧૫ મૂર્તિઓ રંગવામાં આવી છે જેમાં ઘરમાં પધરાવવામાં આવતી ૩૦ ટકા મૂર્તિઓ છે.
ગણેશોત્સવ બાદ માતાજીની મૂર્તિઓ બનાવવા માટે ઘણો ઓછો સમય મળે છે. એમાં પણ માતાજીનો હસોતો ચહેરો, આંખ વગેરે કામ બહુ બારીકાઇથી કરવું પડતું હોય છે. કેટલીક પ્રતિમાઓને ખરી સાડી પહેરાવવી પડે છે. કેટલીક પ્રતિમાઓને સાચાં ઘરેણાં, મોતીથી પણ શણગારવામાં આવે છે.
હાલમાં મેટલિક, ફ્લોરોસેન્ટ, વેલ્વેટ એમ આધુનિક પદ્ધતિનું રંગકામ પણ કરવામાં આવે છે. એક મૂર્તિ તૈયાર કરવા માટે ઓછામાં ઓછા પચીસ દિવસ લાગે છે, એમ એક મૂર્તિકારે જણાવ્યું હતું. હાલમાં પ્લાસ્ટર ઓફ પેરિસ, રંગ, નાળિયેરની કાંચલીઓ વગેરેના દરમાં વધારો થયો છે. તેથી મૂર્તિના ભાવ પણ ૧૦થી ૧૫ ટકા વધ્યા છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
Also Read –