જાના થા જાપાનઃ Vande Bharat Train રૂટ ભૂલી, રેલવેની ઊંઘ હરામ…
સીએસએમટીથી મડગાંવ જનારી વંદે ભારત ટ્રેન કલ્યાણ પહોંચી ગઈ...
મુંબઈ: મહારાષ્ટ્રમાં તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. સીએસએમટીથી ઉપડેલી ગોવા (મડગાંવ) વંદે ભારત ટ્રેન અન્ય રુટ પર નીકળી ગઈ. ત્યાર બાદ ટ્રેનને રિવર્સ લાવવામાં ટ્રેન મોડી પડવાની સાથે રેલવે પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર ડ્રાઈવરને રોકવા યુવક ટેક્સીના કેરિયર પર બેસી ગયો, જુઓ વાયરલ વીડિયો
મધ્ય રેલવેના સીએસએમટી-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પોતાના નિર્ધારિત રુટને ભૂલી ગઈ હતી. ટ્રેન મડગાંવ જવાની હતી, પરંતુ દીવા સ્ટેશને ટેક્નિકલ ખામીને કારણે અન્ય રસ્તે નીકળી ગઈ હતી, પરિણામે ટ્રેન લગભગ દોઢ કલાકનો વિલંબ થયો હતો.
મુંબઈથી કોંકણ જનારી ટ્રેનો માટે દિવા-પનવેલ રેલવે કોરિડોરમાં પનવેલ સ્ટેશને જવાને બદલે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સવારે 6.10 વાગ્યાના સુમારે કલ્યાણની દિશામાં આગળ નીકળી ગઈ હતી. આ ઘટનાની જાણ થયા પછી રેલવે અધિકારીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી. પ્રવાસીઓમાં ગભરાટ ફેલાવવાના અહેવાલ વચ્ચે મુંબઈ સબર્બનની લોકલ ટ્રેનસેવા પર પણ અસર થઈ હતી.
આ બનાવ અંગે મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દિવા જંક્શન પર ડાઉન ફાસ્ટ લાઇન અને પાંચમી લાઇનની વચ્ચે પોઇન્ટ નંબર ૧૦૩ પર સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે આ ઘટના બની હતી. દિવા જંક્શનથી કોંકણ જનારી ટ્રેનો નિયમિત રીતે પનવેલ સ્ટેશને જાય છે.
વંદે ભારત ટ્રેન તેના નિર્ધારિત રુટને બદલે બીજો રુટે ટ્રેન છેક કલ્યાણ પહોંચી હતી, ત્યારબાદ ટ્રેનને દિવા સ્ટેશન રિટર્ન લાવ્યા હતા, ત્યાર બાદ ટ્રેનને સવારના 6.45 વાગ્યા સુધી દિવામાં રોકવામાં આવી હતી. ટ્રેનને પાંચમી લાઈનથી 7.04 વાગ્યાના સુમારે કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર પહોંચી હતી અને ત્યારબાદ ટ્રેનને 7.13 વાગ્યે દિવા સ્ટેશન પર પાછી લાવવામાં આવી હતી. ટ્રેનને નિર્ધારિત સ્ટેશને ઉપાડવામાં બીજી 90 મિનિટનો વિલંબ થયો હતો.
રેલવેમાં વધતા અકસ્માતો અને ટેક્નિકલ ખામીના કિસ્સાને કારણે ટ્રેનસેવા પર પણ અસર પડી રહી છે, જે ગંભીર બાબત છે. વાસ્તવમાં જાણીતા ગીત જાના થા જાપાન પહોંચ ગયે ચીન જેવો ઘાટ આજના વંદે ભારત ટ્રેનના કિસ્સાને લાગુ પડે છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
આ પણ વાંચો : નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ક્યારથી શ્રીગણેશ થશે, જાણો ઈન્સાઈડ સ્ટોરી?
અહીં એ જણાવવાનું કે જૂન 2023માં સીએસએમટી-મડગાંવની વચ્ચે વંદે ભારત ટ્રેન શરુ કરી હતી. સીએસએમટીથી રોજ 5.25 વાગ્યે ટ્રેન મડગાંવ માટે રવાના થાય છે, જ્યારે બીજા દિવસે બપોરે ટ્રેન ગોવાના મડગાંવ પહોંચે છે. મુંબઈ સબર્બનમાં ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીમાં આ પ્રકારની ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે, એમ રેલવેના અધિકારીએ દાવો કર્યો હતો.