મુંબઈ ઍરપોર્ટ પર ગોવા પોલીસની,કસ્ટડીમાંથી આરોપી ભાગી છૂટ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉત્તર પ્રદેશમાં ઝડપાયેલો આરોપી મુંબઈ ઍરપોર્ટ પરથી ગોવા પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. ઍરપોર્ટ બહાર કારમાં પકડી પાડનારા કોન્સ્ટેબલ સાથે આરોપીએ મારપીટ પણ કરી હતી.
ગોવાના માપસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સુશાંત નાઈકે નોંધાવેલી ફરિયાદને આધારે સહાર પોલીસે ફરાર આરોપી ઈમાદ વસીમ ખાન વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધ હાથ ધરી હતી.
માપસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં આરોપી ખાનની સંડોવણી સામે આવતાં પોલીસ તેની શોધ ચલાવી રહી હતી. ખાન ઉત્તર પ્રદેશના સહરાનપુર સ્થિત તેના વતનમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે સબ-ઈન્સ્પેક્ટર બાબલો પરબ, કોન્સ્ટેબલ પ્રકાશ પાળેકર અને કોન્સ્ટેબલ સુશાંત નાઈકની ટીમ યુપી ગઈ હતી.
આ પણ વાંચો : 63 લાખના સોના સાથે રાજસ્થાનનો વતની મુંબઈ ઍરપોર્ટ પર પકડાયો
યુપીની બેહદ પોલીસની મદદથી આરોપીને તેના નિવાસસ્થાનેથી પકડી પાડવામાં આવ્યો હતો. બુધવારે પોલીસની ટીમ આરોપીને લઈ દિલ્હી ઍરપોર્ટથી ગોવા જવા નીકળી હતી. કનેક્ટિંગ ફ્લાઈટ હોવાથી પોલીસની ટીમ મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતરી હતી. ટર્મિનલ-2થી ટર્મિનલ-1 તરફ પોલીસની ટીમ જઈ રહી હતી ત્યારે કોન્સ્ટેબલને ધક્કો મારી આરોપી ભાગી છૂટ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલે આરોપીનો પીછો કર્યો હતો. ઍરપોર્ટ બહાર આરોપી એક કારમાં બેસી ગયો હતો, જ્યાં કોન્સ્ટેબલે તેને પકડી પાડ્યો હતો. જોકે કોન્સ્ટેબલ સાથે મારપીટ કરી આરોપી ત્યાંથી પણ રફુચક્કર થઈ ગયો હતો.