આમચી મુંબઈવિજ્ઞાન અને ટેકનોલોજી

વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ સ્થાનિક સોનામાં રૂ. ૨૦૯નો અને ચાંદીમાં રૂ. ૪૪૬નો ઘટાડો

મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં ફુગાવાના ડેટા અપેક્ષાનુસાર સાધારણ ઘટાડાતરફી રહ્યા હોવાના અહેવાલ છતાં અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં વધારો થતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે લંડન ખાતે આજે સત્રના આરંભે રેટકટના આશાવાદે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ગત શુક્રવારનાં વૈશ્ર્વિક બજારનાં નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૮થી ૨૦૯નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૪૬નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૪૬ ઘટીને રૂ. ૮૭,૫૫૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીમાં નિરુત્સાહ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ પાંખી રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો દસ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૮ ઘટીને રૂ. ૭૧,૩૩૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૦૯ ઘટીને રૂ. ૭૧,૬૨૬ના મથાળે રહ્યા હતા.
ગત એપ્રિલ મહિનામાં અમેરિકામાં મે મહિનાના ફુગાવામાં ૨.૭ ટકાની વૃદ્ધિ થયા બાદ જૂન મહિનામાં ૨.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે બજારની અપેક્ષાનુસાર રહેતાં ફેડરલ રિઝર્વ આ વર્ષમાં સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાએ ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો, પરંતુ અમેરિકી ટ્રેઝરની યિલ્ડ વધી આવતાં સોનામાં પીછેહઠ જોવા મળી હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે જો ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરની યિલ્ડમાં મજબૂત વલણ રહે તો સોનાના ભાવ માટે ઔંસદીઠ ૨૨૮૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે અને જો આ સપાટી તૂટે તો ભાવ ઘટીને ૨૨૦૦ ડૉલર સુધી પહોંચે તેમ જણાય છે.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૩૨૫.૪૯ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૨૩૩૪.૮૦ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ઔંસદીઠ ૨૯.૧૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો : શૅરબજારની વોલેટિલિટીને નાથવા માટે મલ્ટીએસેટ અભિગમ ઉપયોગી

આવતીકાલે ફેડરલ રિઝર્વનાં પ્રમુખ જૅરૉમ પૉવૅલનું વક્ત્વય છે અને ત્યાર બાદ બુધવારે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની ગત જૂન મહિનાની નીતિવિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સ પર સ્થિર થઈ છે, જેમાં ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાત અંગે કોઈ નિર્દેશ આપે છે કે નહીં તેનાં પર રોકાણકારોની નજર સ્થિર થઈ છે. હાલમાં કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી ધીમી પડી છે, પરંતુ આગામી થોડા સમયગાળામાં ઊભરતા અર્થતંત્રોની સોનામાં લેવાલી નીકળતાં સોનાના ભાવને ટેકો મળતો રહેશે, એમ એએનઝેડ નાં વિશ્ર્લેષકે એક નોટ્સમાં જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button