વૈશ્ર્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીએ પીછેહઠ
સ્થાનિક સોનામાં રૂ. ૬૯૩ અને ચાંદીમાં રૂ. ૧૭૬૫ તૂટ્યાં

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૯૦થી ૬૯૩નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૬૫નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૨ પૈસાનો કડાકો બોલાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધવાની શક્યતાને ધ્યાનમાં લેતા વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ પાંખી રહેતા ભાવ કિલોદીઠ રૂ. ૧૭૬૫ના ઘટાડા સાથે રૂ. ૮૧,૭૩૬ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૯૦ ઘટીને રૂ. ૬૯,૪૨૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૯૩ ઘટીને રૂ. ૬૯,૬૯૯ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો :સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઉછાળો આવતા સ્થાનિકમાં કસ્ટમ ડ્યૂટીનો ઘટાડો આંશિક ધોવાયો
અમેરિકા ખાતે ગત જુલાઈ મહિનામાં બેરોજગારીનો દર અપેક્ષા કરતાં ઊંચી ૪.૩ ટકાની સપાટીએ રહ્યો હોવાના ગત શુક્રવારે અહેવાલ આવ્યા બાદ આર્થિક મંદીની ભીતિ સપાટી પર આવી હતી અને ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે સોનાના ભાવમાં .૭ ટકાનો ઉછાળો આવ્યા બાદ અંતે એક ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. વધુમાં આજે પણ લંડન ખાતે સત્રના આરંભે સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજરમાં ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪૩૩.૭૪ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૨ ટકા વધીને ૨૪૭૫.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ આગલા બંધ સામે ૧.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૨૧ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને ગત શુક્રવારના રોજગારીના નબળા ડેટાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકવામાં કેવું વલણ અપનાવે છે તેના પર ટ્રેડરોની મીટ હોવાનું કેસીએમ ટ્રેડના વિશ્ર્લેષક ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકામાં આર્થિક મંદીની ભીતિ હેઠળ ગત શુક્રવારે ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડ્યા હોવાથી અમુક વર્ગ સપ્ટેમ્બર પહેલા પણ વ્યાજદરમાં કપાતનો આશાવાદ રાખી રહ્યો છે.
નોંધનીય બાબત એ છે કે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી ૭૦ ટકા ધારણા ટ્રેડરો મૂકી રહ્યા છે.