આમચી મુંબઈઇન્ટરનેશનલ

રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં મક્કમ વલણ

વિશ્વ બજારથી વિપરીત સ્થાનિક સોનામાં રૂ. 194નો અને ચાંદીમાં રૂ. 549નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ દ્વારા આજે થનારી રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે તેની અસરોની સંભાવનાઓને ધ્યાનમાં લેતા લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહેતાં ભાવમાં મક્કમ ગતિએ ધીમો સુધારો આગળ વધ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટાડો આગળ ધપ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 193થી 194નો ઘટાડો આવ્યો હતો જેમાં શુદ્ધ સોનાના ભાવે રૂ. 91,000ની સપાટી ગૂમાવી હતી, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 549નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 549ના ઘટાડા સાથે રૂ. 99,092ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ અને ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 193 ઘટીને રૂ. 90,557 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 194 ઘટીને રૂ. 90,921ના મથાળે રહ્યા હતા.

આજે અમેરિકા તેનાં વેપારી ભાગીદાર દેશોથી આયાત થતાં માલ સામે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરશે અને તેની વૈશ્વિક વેપારો પર થનારી માઠી અસરોને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં હાજરામાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ 0.1 ટકા વધીને આૈંસદીઠ 3113.24 ડૉલર અને વાયદામાં ભાવ 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 3141.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરનાં વૈશ્વિક સિનારિયાને ધ્યાનમાં લેતા વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ વધીને આૈંસદીઠ 3400 ડૉલરની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા સ્ટેટ સ્ટ્રીટ ગ્લોબલ એડ્વાઈઝર્સના ગોલ્ડ સ્ટ્રેટેજી વિભાગના હેડ આકાશ દોશીએ વ્યક્ત કરી હતી. નોંધનીય બાબત એ છે કે આજે ટ્રમ્પ ટેરિફની જાહેરાત કરનાર હોવથી આજના દિવસને તેમણે લિબરેશન ડૅ (મુક્તિ દિન) તરીકે ઓળખાવ્યો છે.

ટ્રમ્પની ટેરિફ નીતિ ફુગાવામાં વધારો કરે તેવી અને આર્થિક વૃદ્ધિ મંદ પાડે તેવી હોવાની સાથે વૈશ્વિક સ્તરે વેપાર વિવાદ સર્જે તેવી ભીતિ સેવાઈ રહી હોવાથી સોનામાં સલામતી માટેની વ્યાપક માગ રહેતાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં રાજકીય-ભૌગોલિક તણાવ અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલીને ટેકે તેજીને વધુ ઈંધણ મળી રહ્યું હોવાનું મેટલ ફોકસ વિભાગનાં મેનેજિંગ ડિરેક્ટર ફિલિપ ન્યૂમેને જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકામાં આર્થિક મંદી, ફુગાવામાં વધારો અને રેટ કટની શક્યતાને ધ્યાનમાં લેતાં આગામી મહિનાઓમાં જ સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3300 ડૉલર સુધી પહોંચી શકે છે. વધુમાં આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના એડીપી એમ્પ્લોયમેન્ટ ડેટા પર અને આગામી શુક્રવારે જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આપણ વાંચો:  રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પૂર્વે સલામતી માટેની માગને ટેકે વૈશ્વિક સોનું નવી ટોચે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button