વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાનો કરંટ આવતા સોનાચાંદીમાં નરમાઈ

સ્થાનિકમાં ચાંદી રૂ. 1565 તૂટી અને સોનામાં રૂ. 369નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકામાં ગઈકાલે જાહેર થયેલા નવેમ્બરનાં ખાનગી રોજગારીના ડેટામાં અઢી વર્ષ કરતાં વધુ સમયગાળાનો ઘટાડો નોંધાયાના નિર્દેશો પશ્ચાત્ વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાનો કરંટ આવ્યાના નિર્દેશો સાથે રોકાણકારોની સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગમાં ઘટાડો થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. જોકે, આવતીકાલે મોડી સાંજે અમેરિકાના બેરોજગારીના ડેટાની જાહેરાત પર રોકાણકારોની નજર હોવાથી અમુક અંશે બજારમાં સાવચેતીનું વલણ પણ જોવા મળ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 368થી 369નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1565નો ઘટાડો આવ્યો હતો.
આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1565ના ઘટાડા સાથે રૂ. 1,76,625ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ નરમાઈતરફી વલણ રહ્યું હતું. તેમ જ છૂટીછવાઈ વેચવાલી જોવા મળી હતી. તેમ છતાં તાજેતરમાં ડૉલર સામે રૂપિયામાં નોંધપાત્ર ધોવાણ થયું હોવાથી આયાત પડતરો વધવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહેતા વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 368 ઘટીને રૂ. 1,27,333 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 369 ઘટીને રૂ. 1,27,845ના મથાળે રહ્યા હતા. જોકે, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની અપેક્ષિત લગ્નસરાની માગનો વસવસો રહ્યો હતો.
આ પણ વાંચો: MCXમાં સોના ચાંદી વાયદામાં વળી શું ગડબડ થઈ?
ગત નવેમ્બર મહિનામાં અમેરિકામાં ખાનગી રોજગારીમાં 32,000નો ઘટાડો થયો હતો, જે અઢી વર્ષના સમયગાળાનો મોટો ઘટાડો રહ્યો હતો, જે રોજગાર ક્ષેત્રની નરમાઈ દર્શાવી રહી હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતાં ગઈકાલે અમેરિકી ઈક્વિટી માર્કેટમાં અને આજે યુરોપની ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાચાંદીમાં સલામતી માટેની માગ નબળી પડતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 4199.06 ડૉલર અને ફેબ્રુઆરી વાયદામાં ભાવ 0.1 ટકા ઘટીને 4229 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.7 ટકા ગબડીને આૈંસદીઠ 57.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આવતીકાલે અમેરિકાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટાની જાહેરાત અને ઈક્વિટી માર્કેટના સુધારાને કારણે રોકાણકારો સોનામાં નવી લેવાલીથી દૂર રહ્યા હોવાથી સુધારો અટક્યો હોવાનું એક્ટિવ ટ્રેડર્સના વિશ્લેષક રિકાર્ડો ઈવાંન્જેલિસ્ટાએ જણાવ્યું હતું. જોકે, બજારમાં મુખ્યત્વે ચાંદીમાં પ્રવાહિતાની ચિંતા અને પુરવઠાખેંચની સ્થિતિ વચ્ચે આ વર્ષમાં અત્યાર સુધીમાં ભાવમાં 101 ટકાનો ઉછાળો આવ્યો હોવાનું ઓએએનડીએના વિશ્લેષક ઝેઈન વાવદાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં ચાંદીમાં એઆઈ અને ડેટા સેન્ટર સહિતની ઔદ્યોગિક માગમાં વધારો થવાથી વર્ષ 2026માં માગ અને પુરવઠા વચ્ચેનો ખાંચરો વધવાથી ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા પ્રબળ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી 9-10 ડિસેમ્બરની અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે આવતીકાલે અમેરિકાના રોજગારી અને ફુગાવાનાં જાહેર થનારા ડેટા મહત્ત્વની ભૂમિકા ભજવે તેમ હોવાથી રોકાણકારોની મીટ આ ડેટા પર મંડાયેલી છે. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો રેટકટની 89 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.



