શૂટિંગને બહાને યુવતીનાં સાચાં લગ્ન: યુગલ પકડાયું
યોગેશ સી. પટેલ
મુંબઈ: સિરિયલના શૂટિંગને બહાને રાજસ્થાન લઈ ગયા પછી ધારાવીની યુવતીને મધ્ય પ્રદેશના યુવાન સાથે પરણાવી દેવામાં આવી હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી. આ કેસમાં ધારાવી પોલીસે મુરતિયાને ત્રણ લાખ રૂપિયામાં યુવતીને વેચનારા યુગલની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ કરણ ભોઈર
અને તેની લિવ-ઈન પાર્ટનર આયેશા તરીકે થઈ હતી. બન્ને ગોવંડીમાં રહેતાં હોવાનું જાણવા મળ્યું હતું. ભોઈરે પાંચ યુવતીને મધ્ય પ્રદેશના ગામમાં લગ્ન માટે વેચી હોવાનું તપાસમાં જણાયું હતું. જોકે તેમાંથી ધારાવીમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નવ મહિના અગાઉ ધારાવીમાં રહેતી ૨૧ વર્ષની યુવતીની ઓળખાણ આરોપી આયેશા સાથે થઈ હતી. બન્ને કેટરિંગના વ્યવસાયમાં કામ કરતાં હતાં. તે સમયે આયેશાએ પોતે ટીવી સિરિયલોમાં નાના-મોટા રોલ કરતી હોવાનું કહ્યું હતું. યુવતીને પણ સિરિયલમાં કામ અપાવવાની વાત આયેશાએ ઉચ્ચારી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર થોડા દિવસ પછી આયેશાએ યુવતીને સિરિયલમાં રોલ ઑફર કર્યો હતો. પત્નીની ભૂમિકા ભજવવાની હોવાનું યુવતીને કહી આ માટે ૨૦ હજાર રૂપિયા આપવાની ખાતરી તેણે આપી હતી. પાંચ દિવસના શૂટિંગ માટે રાજસ્થાન જવું પડશે, એવું પણ યુવતીને કહેવામાં આવ્યું હતું.
નક્કી થયેલી તારીખે ભોઈર અને આયેશા યુવતીને રાજસ્થાન લઈ ગયાં હતાં. એક રૂમમાં તેનું ઓડિશન પણ લેવાયું હતું. બે દિવસ પછી નજીકના એક મંદિરમાં મધ્ય પ્રદેશના કર્નાખેડી ગામના યુવાન સાથે તેનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. જોકે યુવતીથી લગ્નની વાત છુપાવવામાં આવી હતી. આ બધી શૂટિંગને લગતી પ્રક્રિયા હોવાનું તેને કહેવામાં આવ્યું હતું. યુવતી સાથે લગ્ન કરાવવા માટે આરોપીઓએ મુરતિયા પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા.
કામ હોવાનું જણાવી બન્ને આરોપી યુવતીને રાજસ્થાનમાં છોડી મુંબઈ પાછા ફર્યા હતા. યુવતીને ત્રણ-ચાર દિવસ એક રૂમમાં ગોંધી રાખવામાં આવ્યા પછી તેને છેતરવામાં આવી હોવાની જાણ થઈ હતી. તાજેતરમાં યુવતીએ તેના કથિત પતિના મોબાઈલ ફોન પરથી બૉયફ્રેન્ડને કૉલ કરી બનેલી ઘટનાની જાણ કરી હતી. તાત્કાલિક ધારાવી પોલીસ એ નંબરને ટ્રેસ કરી મધ્ય પ્રદેશ પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી યુવતીને છોડાવવામાં આવી હતી. કર્નાખેડી ગામમાં યુવતીઓની સંખ્યા ઓછી હોવાથી ત્યાં યુવતીઓને વેચાતી લઈ યુવાનો તેની સાથે લગ્ન કરતા હોવાનું કહેવાય છે.
પોલીસે ગુનો નોંધી ભોઈર અને આયેશાની શોધ હાથ ધરી હતી. વારંવાર રહેઠાણ અને મોબાઈલ નંબર બદલનારા બન્ને ગોવંડીના શિવાજી નગર પરિસરમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે છટકું ગોઠવી બન્નેને પકડી પાડ્યા હતા.