દાગીના લૂંટી ભાગી રહેલા લૂંટારાને પકડવાના પ્રયાસમાં યુવતી જખમી

થાણે: સોનાના દાગીના લૂંટી ભાગી રહેલા લૂંટારાને પીછો કરી પકડવાના પ્રયાસમાં 22 વર્ષની યુવતી જખમી થઈ હોવાની ઘટના થાણેમાં બની હતી.
શ્રીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની બપોરે 3.30 વાગ્યાની આસપાસ વાગળે એસ્ટેટ સ્થિત કિસન નગર પરિસરમાં બની હતી. બિલ્ડિંગના પહેલા માળે આવેલા ઘરમાં યુવતી સૂતી હતી ત્યારે દરવાજાના બાજુમાં આવેલી બારીના ખાંચામાંથી હાથ નાખી આરોપીએ દરવાજો ખોલ્યો હતો.
આ પણ વાંચો : મુંબઈનાં આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોડી રાતના ભીષણ આગ
દરવાજો ખોલી ઘરમાં પ્રવેશેલા લૂંટારાએ યુવતીને ગરદનથી પકડી સોનાનું મંગળસૂત્ર અને વીંટી લૂંટી હતી. લૂંટ બાદ આરોપી નાસી છૂટ્યો હતો. યુવતીએ પણ તેને પકડવા થોડા અંતર સુધી પીછો કર્યો હતો. ભાગતી વખતે આરોપીએ યુવતી તરફ ચાકુ છુટ્ટું ફેંક્યું હતું, જેને કારણે યુવતીના હાથમાં ઇજા થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઇજાને કારણે યુવતી આરોપીનો વધુ પીછો કરી શકી નહોતી. આ પ્રકરણે યુવતીએ શ્રીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદને આધારે પોલીસે મંગળવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(6) અને 333 હેઠળ ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી. (પીટીઆઈ)