ટિટવાલામાં બ્લેકમેઇલ કરનારા યુવકને વીડિયો કૉલ કરી યુવતીએ ગળાફાંસો ખાધો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ટિટવાલામાં બ્લેકમેઇલ કરનારા યુવકને વીડિયો કૉલ કરી યુવતીએ ગળાફાંસો ખાધો

કલ્યાણ: ટિટવાલામાં બ્લેકમેઇલ કરનારા યુવકને વીડિયો કૉલ કર્યા બાદ 23 વર્ષની યુવતીએ ઇમારતની અગાશી પર ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ યુવકે વિવિધ બહાને યુવતી પાસેથી દાગીના પડાવ્યા હતા અને યુવતીએ દાગીના પાછા માગતાં તે તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો.

યુવતીના કુટુંબીજનોએ આ પ્રકરણે ટિટવાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ઋતિ રોહણે નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ગુનો દાખલ કરી રોહણેને તાબામાં લીધો હતો. રોહણેએ આ પ્રમાણે અન્ય યુવતીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાનો આરોપી મૃતકના પરિવારે કર્યો હતો.

રોહણેએ સોશિયલ મીડિયા પર મૃતક યુવતી સાથે મિત્રતા કરી હતી અને તેનો વિશ્ર્વાસ સંપાદન કર્યા બાદ વિવિધ બહાને તેની પાસેથી દાગીના લીધા હતા. કેટલાક દિવસ બાદ યુવતીએ દાગીના પાછા માગ્યા હતા, પણ રોહણેએ દાગીના પાછા આપ્યા નહોતા. રોહણેએ યુવતીના વાંધાજનક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. રોહણે બાદમાં યુવતીને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો.

દરમિયાન રોહણેના ત્રાસથી કંટાળેલી યુવતીએ તેને વીડિયો કૉલ કર્યો હતો અને એ દરમિયાન તેણે અગાશી પર ગળાફાંસો ખાધો હતો.

અંતિમસંસ્કાર બાદ પરિવારજનોએ યુવતીનો મોબાઇલ તપાસ્યો ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે યુવતી રોહણેના સંપર્કમાં હતી અને તે તેને બ્લેકમેઇલ કરી રહ્યો હતો.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button