આમચી મુંબઈ

ગણપતિ વિસર્જનની ભીડ વચ્ચે બાળકીના અપહરણનો પ્રયાસ: મહિલાની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણપતિ વિસર્જન દરમિયાન ભીડનો લાભ ઉઠાવી ગુજરાતી વેપારીની પાંચ વર્ષની પુત્રીનું કથિત અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના દક્ષિણ મુંબઈમાં બની હતી. પિતાની સતર્કતાથી અપહરણની યોજના નિષ્ફળ જતાં પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.
વી. પી. રોડ પોલીસે ધરપકડ કરેલી આરોપીની ઓળખ રિંકુ સહા (35) તરીકે થઈ હતી. બિહારના ગોપાલગંજ જિલ્લામાં રહેતી મહિલા તેના મુંબઈના રહેઠાણ સહિતની કોઈ વિગતો પૂરી પાડવા તૈયાર નથી. મહિલા તપાસમાં સહકાર આપતી ન હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર દક્ષિણ મુંબઈની પહેલી સુતાર ગલીમાં રહેતા અને ભુલેશ્વરમાં વ્યવસાય ધરાવતા વેપારીનો પરિવાર શનિવારે પાંચ દિવસના ગણપતિના વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જવા નીકળ્યો હતો. ઘરેથી થોડે જ અંતરે લોકોની ભીડ વચ્ચે મહિલાએ વેપારીની પાંચ વર્ષની પુત્રીને ચૉકલેટની લાલચે પોતાની નજીક બોલાવી હતી. બાળકી નજીક આવી ત્યારે મહિલા તેને ઊંચકીને ત્યાંથી રવાના થઈ રહી હતી ત્યારે વેપારીની નજર મહિલા પર પડી હતી.
તાત્કાલિક મહિલાને રોકી બાળકીને છોડાવવામાં આવી હતી અને પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મહિલાને તાબામાં લીધી હતી. રાતે ધરપકડ ટાળીને મહિલાને નોટિસ આપવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. મહિલા હાથને ઇશારે બાળકીને પોતાની નજીક બોલાવી રહી હોવાનું ફૂટેજમાં નજરે પડે છે. પ્રાથમિક તપાસમાં મહિલાની સંડોવણી હોવાનું જણાતાં રવિવારે સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button