આમચી મુંબઈ
ગિરગામમાં વડાપાંઉની દુકાનમાં આગ: સિલિન્ડરનો સ્ફોટ થતા બચી જતા મોટી દુર્ઘટના ટળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગિરગામ વિસ્તારમાં શનિવારે સવારના વડાપાંઉની દુકાનમાં ગેસ સિલિન્ડરમાં ગેસ લિકેજને પગલે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબેમાં આગમાં કોઈ જખમી થયું નહોતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગિરગામમાં ખાદીલકર રોડ પર નાકોડા લાધા બિલ્ડિંગ નજીક વડાપાંઉ વેચનારાની દુકાન આવેલી છે. શનિવારે સવારના ૧૧.૪૫ વાગે વડાપાંઉના સ્ટોલમાં ગેસ સિલિન્ડરમાં ગળતર થયા બાદ અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. દસેક મિનિટમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદ્નસીબે સિલિન્ડરનો સ્ફોટ થતા બચી જવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.



