ઘોડબંદર રોડ પર ૧૫ દિવસમાં ત્રણ અકસ્માત, જાણો આ રોડને કોનું છે જોખમ?
મુંબઈ: મુંબઈ-અમદાવાદ માર્ગ પર શનિવારે હાઇડ્રોજન સિલિન્ડરો લઇ જતું ટેન્કર ઊંધુ વળી જતા મુંબઈ-અમદાવાદ, ઘોડબંદર અને મુંબઈ-નાશિક હાઇવે પર ભારે ટ્રાફિકજામ થયો હતો. આ ઘટના બાદ થાણે જિલ્લામાં ભારે વાહનોની અવરજવર પરના જોખમ પર ફરી સવાલ ઉઠી રહ્યા છે. છેલ્લા થોડા દિવસમાં ઘોડબંદર રોડ પરના વાઘબીળથી માનપાડા વિસ્તારના ફ્લાયઓવરના ચઢાણ પર ત્રણ અકસ્માત થયા છે.
આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થઇ હતી. આ અગાઉ પણ ફ્લાયઓવર પર અનેક અકસ્માત થયા છે. ગાયમુખ ઘાટમાં પણ ભારે વાહનોના અકસ્માતની નોંધ થઇ છે. તેથી આ અંગે કોઇ ઉપાય યોજના કરવાની માગણી વાહનચાલકો દ્વારા કરાઇ રહી છે.
થાણે જિલ્લાના ઘોડબંદર વિસ્તારમાં મકાન ખરીદનારાઓની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો થયો છે. ઘોડબંદર રોડ છેલ્લા કેટલાક મહિનાથી ટ્રાફિકજામનું કેન્દ્ર બિંદુ બની ગયો છે. ઉરણ ખાતે જેએનપીટી બંદર, નાશિક અને ભિવંડીથી વસઇ, પાલઘર, ગુજરાતના દિશા તરફ જનારા ભારે વાહનો માટે ઘોડબંદર રોડ મહત્ત્વનો છે.
આ પણ વાંચો ; મેટ્રો-થ્રીના બીકેસીથી કોલાબા સુધીના તબક્કાનું કામ પૂરજોશમાંઃ કોર્પોરેશને કરી આ જાહેરાત
આ સિવાય ઘોડબંદર ખાતે રહેતા લોકોના વાહનોનો ભાર પણ આ માર્ગ પર છે. તેથી હજારોની સંખ્યામાં અહીં વાહનોની અવરજવર હોય છે. હાલમાં ઘોડબંદર રોડ પર મેટ્રોની લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. તેથી અહીંના રસ્તાઓ સાંકડા થઇ ગયા છે.
દિશાદર્શક બોર્ડ ન હોવાને કારણે સમસ્યા
નિયમ પ્રમાણે ફ્લાયઓવર શરૂ થયાના કેટલાક મીટરના અંતરે દિશાદર્શક, અન્ય માહિતીના બોર્ડ લગાવવામાં આવે છે, પરંતુ અહીંના ફ્લાયઓવર પર આવા કોઇ બોર્ડ નથી. બીજી બાજુ ભારે વાહનો નાના વાહનો પર પલટી થઇ મોટો અકસ્માત સર્જાવાનો પણ ભય રહેલો છે.
ઘોડબંદર રોડ પરના ફ્લાયઓવર પર દિશાદર્શક બોર્ડ હતા, પરંતુ અકસ્માતને કારણે તે તૂટી પડ્યા હતા. જાહેર બાંધકામ વિભાગને આ બોર્ડ લગાવવાનું કહ્યું છે. અકસ્માત બાદ ટ્રાફિકજામ થયા બાદ ભારે વાહનોના ડ્રાઇવરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, એમ થાણે ટ્રાફિક પોલીસના ડેપ્યુટી કમિશનર ડૉ. વિનયકુમાર રાઠોડે જણાવ્યું હતું.