આમચી મુંબઈ

ઘાટકોપર ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ : એસઆરએ દ્વારા બે મહિનામાં 13 હાજર કુટુંબના સર્વે પૂર્ણ

મુંબઈ: ઘાટકોપરના રમાબાઈ આંબેડકર નગરની ઝૂંપડપટ્ટીનો પુનઃવિકાસ કરવા માટે એસઆરએ દ્વારા સર્વેનું કામ એકદમ ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. લગભગ બે મહિના પહેલા એસઆરએ દ્વારા રમાબાઈ આંબેડકર નગરની ઝૂંપડપટ્ટીનો પુનઃવિકાસ કરવા માટે ત્યાંના રહેવાસીઓનું પુનર્વસન કરવા માટે નાગરિકોના સર્વેક્ષણનું કામ હાથ ધર્યું છે. આ સર્વેમાં લગભગ 13,000 કરતાં વધુ કુટુંબનું સર્વેક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને એપ્રિલ મહિનાના અંત સુધી ઝૂંપડપટ્ટીમાં રહેતા દરેક કુટુંબનું સર્વેક્ષણ પૂર્ણ થઈ જશે, એવો લક્ષ્યાંક એસઆરએએ રાખ્યો છે.

એસઆરએ દ્વારા નાગરિકોના સર્વે બાદ મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઝૂંપડપટ્ટીમાં રહેતા દરેક પાત્ર અને અપાત્ર નાગરિકોની યાદી બહાર પાડવામાં આવશે અને ત્યાર બાદ નાગરિકો સાથે એગ્રિમેન્ટ કરીને તેમને થોડા સમય માટે વૈકલ્પિક સ્થળે મોકલી આ વિસ્તારની જમીન ખાલી કરાવવામાં આવશે. એસઆરએ અનેક મહિનાથી મુંબઈમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારોના સર્વેનું કામ શરૂ કર્યું છે, જોકે હજુ સુધી આ દરેક સર્વેક્ષણના ડેટાને એકત્રિત કરવામાં આવ્યો નથી.

ઈસ્ટર્ન ફ્રી-વેના વિસ્તાર માટે આ ભાગની જમીનને ખાલી કરાવવા એસઆરએ પ્રયત્ન કરી રહ્યું છે. આ ફ્રી-વેને થાણે શહેર સાથે જોડવાના માર્ગમાં ઘાટકોપરના રમાબાઈ આંબેડકર નગરની ઝૂંપડપટ્ટી આવે છે. આ ઝૂંપડપટ્ટીમાં કુલ 1694 જેટલા ઘરો આવેલા છે અને જ્યાં સુધી આ ઘરોને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ફ્રી-વેનું કામ અટકી રહેશે, એવું એક અધિકારીએ કહ્યું હતું. એસઆરએએ ફ્રી-વેના વિસ્તારના માર્ગમાં આવતા ઘરોનું સર્વેક્ષણ શરૂ કર્યું છે. આ દરેક ઘરોનું સર્વેક્ષણ કરીને તેનો રિપોર્ટ એમએમઆરડીએ પાસે આપવામાં આવશે અને તે બાદ એમએમઆરડીએ ઝૂંપડપટ્ટીના દરેક પરિવારોનું બીજી જગ્યાએ પુનર્વસન કરશે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.

એક અહેવાલ મુજબ રાજ્ય સરકારે એસઆરએને માત્ર ઝૂંપડપટ્ટીની જમીન ખાલી કરાવવાનું કામ સોંપ્યું છે અને એમએમઆરડીએને ત્યાંના લોકોનું પુનર્વસન કરવાનું કામ આપવામાં આવ્યું છે. ઈસ્ટર્ન ફ્રી-વેને થાણે સુધી જોડવાના કામ માટે સર્વેક્ષણના કામને યુદ્ધ સ્તરે કરવામાં આવી રહ્યું છે. આ પ્રકલ્પને લીધે એમએમઆરડીએને લગભગ પાંચ હજાર વધુ ઘર મળવાના છે, જેથી આ ઘરોને વેચીને એમએમઆરડીએ તેના બીજા પ્રકલ્પ માટે પૈસા મેળવશે એવું કહેવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button