આમચી મુંબઈ

ઘાટકોપર જોલી જિમખાના ટ્રસ્ટ બોર્ડની ચૂંટણી વિવાદના વમળમાં

ચૂંટણી અધિકારીઓની કાર્યપ્રણાલી સામે જ પ્રશ્ર્ન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સમગ્ર મુંબઈમાં પ્રતિષ્ઠિત જિમખાનામાં જેની ગણના થાય છે એવા જોલી જિમખાનામાં આઠમી ઓક્ટોબરના યોજાનારી ચૂંટણી વિવાદના વમળમાં ઘેરાઈ ગઈ છે. જોલીના ટ્રસ્ટીગણની ચૂંટણી આઠમી ઓકટોબરે યોજાનારી છે અને આ માટે કુલ ૧૮ નામાંકન અંતિમ ચરણમાં ફાઈનલ થઈ ગયાં છે. જિમખાના દ્વારા અપાયેલી નોટિસમાં આ અંતિમ યાદી તમામ સ્ક્રુટીની બાદ ૨૬મી સપ્ટેમ્બરના સવારના જાહેર કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ આ યાદી ૨૬મી સપ્ટેમ્બરને બદલે ૨૭મી તારીખે જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ઊભા રહેલા કેટલાક ઉમેદવારોએ આનો વિરોધ નોંધાવ્યો હતો. ચૂંંટણી અધિકારી વિનોદ સંપટે પણ આ ભૂલ હોવાનું તેમ જ જિમખાનાનો કર્મચારી ઘાટકોપરથી દૂર રહેતો હોવાથી સમયસર આવી ન શક્યો હોવાનો બચાવ રજૂ કર્યો હતો જે સભ્યોને ગળે ઊતરે તેમ નથી. સભ્યોના જણાવવા પ્રમાણે કેટલાક ચોક્કસ ઉમેદવારોને આનો ફાયદો પહોંચે એટલે જ આ યાદી એક દિવસ પાછી ઠેલવામાં આવી હતી. આની સામે મનોજ પ્રજાપતિ, ચંદુ પટેલ તેમ જ દીપક ભદ્રાએ જિમખાના તેમ જ ચૂંટણી અધિકારીઓને નોટિસ ફટકારી હતી અને પારદર્શક વાતાવરણમાં જ ચૂંટણી યોજાય તેમ જ આ ચૂંટણી અધિકારીઓ જેમણે આચારસંહિતાનો ભંગ કર્યો છે તેમને હટાવવામાં આવે તેવી માગણી કરી હતી.

ટ્રસ્ટીની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા મનોજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિમખાનામાં છેલ્લાં બે દાયકાથી કેટલાક ચોક્કસ લોકો જ કમિટીમાં છે, તેઓ કોઈને અંદર આવવા દેતા નથી, જેમણે ક્યારેય જિમખાનાના દાદરના ચઢ્યા હોય તેવા ઉમેદવારોને માથે ઠોકી બેસાડવામાં આવે છે, ૨૬મી સપ્ટેમ્બરે યાદી લાગી જવી જોઈએ, પરંતુ કોઈકના દબાણ હેઠળ આ યાદી એક દિવસ મોડી લાગી છે, વળી ક્લબના જ એક સભ્ય સાથેની ટેલીફોનિક વાતચીતમાં આ અમારી ભૂલ હોવાનું ચૂંટણી અધિકારીએ કબૂલ્યું છે, તો કોના દબાણ હેઠળ આ બધું થઈ રહ્યું છે? આવા વાતાવરણમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે ચૂંટણી સંભવ છે ખરી? આથી જ અમે નવા ચૂંટણી અધિકારીઓને નીમવા અને ફેર ચૂંટણી કરાવવી એવી માગણી કરી છે.

બીજા ઉમેદવાર ચંદુ પટેલે પણ આ અંગે જણાવ્યું હતું કે અમને બિલકુલ સમય ન મળે તેવી રીતે બધું ગોઠવાયું હોય એમ લાગે છે, જો કમિટી યોગ્ય નિર્ણય નહીં લે તો કોર્ટમાં જવા સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી.

આ અંગે જોલી જિમખાનાના ચેરમેન રજની શાહે જણાવ્યું હતું કે કેટલાક ઉમેદવારો તરફથી આ પ્રકારની નોટિસ મળી છે અને આ નોટિસ સહુ લાગતા વળગતાને ઈમેઈલ દ્વારા મોકલી આપવામાં આવી છે. સોમવારે આ અંગે કમિટી મેમ્બરો તેમ જ ટ્રસ્ટીગણની મિટિંગમાં નિર્ણય લેવાશે અને તે મંગળવારે જાહેર કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે