ઘાટકોપરમાં ધોળેદહાડે ઝવેરી પર શસ્ત્રના ઘા ઝીંકીને લૂંટારુઓએ દુકાનમાંથી ઘરેણાં લૂંટ્યાં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઘાટકોપરમાં ધોળેદહાડે ઝવેરી પર શસ્ત્રના ઘા ઝીંકીને લૂંટારુઓએ દુકાનમાંથી ઘરેણાં લૂંટ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
શિવડી વિસ્તારમાં ડિલિવરી બૉયને શસ્ત્રની ધાક દાખવીને 2.29 કરોડ રૂપિયાના દાગીના લૂંટવામાં આવ્યા હોવાની ઘટના તાજી છે ત્યારે ઘાટકોપરમાં ધોળેદહાડે દુકાનમાં ઘૂસ્યા બાદ ઝવેરી પર શસ્ત્રના ઘા ઝીંકીને ત્રણ લૂંટારુએ લાખો રૂપિયાનાં ઘરેણાં લૂંટ્યાં હોવાની ઘટના બુધવારે બની હતી. ઘાટકોપર પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ટીમ તૈયાર કરી હતી, અને પોલીસ ટીમે બે આરોપીની ધરપકડ કરી છે .

પોલીસના જણાવ્યા અનુસાર ઘાટકોપર પશ્ર્ચિમમાં અમૃત નગર સર્કલ ખાતે આવેલી દર્શન જ્વેલર્સ નામની દુકાનમાં બુધવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. માસ્ક પહેરીને મોટરસાઇકલ પર આવેલા ત્રણમાંથી બે લૂંટારા શસ્ત્રો સાથે ઝવેરીની દુકાનમાં ઘૂસ્યા હતા, જ્યારે તેમનો સાથીદાર નજર રાખવા માટે બહાર ઊભો રહ્યો હતો.
લૂંટારાએ ઝવેરી દર્શન મેટકરીને શસ્ત્રની ધાક દાખવીને દુકાનમાંથી ઘરેણાં લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઝવેરીએ પ્રતિકાર કરતાં લૂંટારાએ તેના પર શસ્ત્રથી હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેઓ રિવોલ્વરની ધાકે દુકાનમાંથી ત્રણ લાખ રૂપિયાના ઘરેણાં લૂંટી ત્યાંથી ફરાર થયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ભાયંદરમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો આરોપી 13 વર્ષ બાદ બિહારથી ઝડપાયો…

દરમિયાન બનાવની જાણ થતાં ઘાટકોપર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લૂંટારુઓએ કરેલા હુમલામાં ઘવાયેલા ઝવેરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોઇ પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરીને દુકાનમાંના તથા પરિસરમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ માટે તાબામાં લીધા હતા. આ ઘટના બાદ ઘાટકોપર પોલીસે ગુનો દાખલ કરી શકમંદોની પૂછપરછ કરી કરી હતી. પોલીસે પૂછપરછ માટે અમુક શકમંદોને તાબામાં લીધા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button