ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના:કંપનીની ભૂતપૂર્વ ડિરેક્ટર, સિવિલ કોન્ટ્રેક્ટરને 15 જૂન સુધીની પોલીસ કસ્ટડી
મુંબઈ: ઘાટકોપરના છેડાનગરમાં 17 લોકોનો ભોગ લેનારી હોર્ડિંગ દુર્ઘટનાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ધરપકડ કરેલી કંપનીની ભૂતપૂર્વ ડિરેક્ટર સહિત બે જણને કોર્ટે 15 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
એસઆઇટીએ ઇગો મીડિયા પ્રા.લિ.ની ભૂતપૂર્વ ડિરેક્ટર જાહ્નવી નયન મરાઠે ઉર્ફે જાહ્નવી કેતન સોનલકર (41) અને સિવિલ કોન્ટ્રેક્ટર સાગર પાટીલ ઉર્ફે સાગર કુંડલિક કુંભાર (36)ને ગોવાથી શનિવારે ઝડપી પાડ્યાં હતાં. ગોવાથી બંનેને મુંબઇ લાવવામાં આવ્યાં હતાં અને રવિવારે તેમને કોર્ટ સમક્ષ હાજર કરાયાં હતાં.
પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે સિવિલ કોન્ટ્રેક્ટર સાગર કુંભારને હોર્ડિંગનું કામ સોંપવામાં આવ્યું હતું. ઇગો મીડિયાના ડિરેક્ટર ભાવેશ ભિંડે તથા જાહ્નવી મરાઠેના કહેવાથી સ્ટ્રક્ચરલ એન્જિનિયર મનોજ સંધુએ વધુ રૂપિયા કમાવાના ઇરાદે હોર્ડિંગની ડિઝાઇન તૈયાર કરી હતી, જે વીજેટીઆઇ કે આઇઆઇટી પાસેથી પ્રમાણિત કરાઇ નહોતી. બાદમાં હોર્ડિંગ ઊભું કરવાનું કામ કોન્ટ્રેક્ટર સાગર કુંભારને સોંપવામાં આવ્યું હતું.