ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશ ભિડેને 26 મે સુધીની પોલીસ કસ્ટડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરના છેડાનગર ખાતે 16 નિર્દોષ લોકોનો ભોગ લેનારી હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશ ભિંડેને શુક્રવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં તેને 26 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે ભાવેશ ભિંડેની રાજસ્થાના ઉદયપુરથી ધરપકડ કરી હતી અને બાદમાં તેને મુંબઇ લવાયો હતો.
ઘાટકોપરમાં 13 એપ્રિલે સાંજે તોફાની પવન અને કમોસમી વરસાદને કારણે વિશાલ હોર્ડિંગ તૂટીને પેટ્રોલ પંપ પર પડ્યું હતું, જેમાં 14 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 80થી વધુ લોકો ઘવાયા હતા. આમાંથી અમુકની હાલત નાજુક છે.
મેસર્સ ઇગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર ભાવેશ આ દુર્ઘટના બાદ ફરાર થઇ ગયો હતો અને પંતનગર પોલીસે ભાવેશ તથા અન્યો વિરુદ્ધ સદોષ મનુષ્યવધ તથા ભારતીય દંડસંહિતાની અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ભાવેશની ધરપકડ કરાયા બાદ શુક્રવારે તેને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કે.એસ. ઝંવર સમક્ષ હાજર કરાયા બાદ પોલીસે જણાવ્યું હતું કે ભાવેશની કંપનીએ આવા ત્રણથી ચાર હોર્ડિંગ્સ લગાવ્યાં છે, જેમાં મોટું રોકાણ થયું હોઇ તેમાં અન્ય લોકો પણ સામેલ હોવાથી આ મામલે તપાસ કરવાની બાકી છે. એક હોર્ડિંગનું વ્યવસ્થાપન કરવા માટે રૂ. પાંચ કરોડ ખર્ચ થતો હતો. આથી ભાવેશના વ્યવસાયમાં નાણાકીય પાસાંની તપાસ કરવાની બાકી છે.
ઉપરાંત ભાવેશને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર અને હોર્ડિંગ બેસાડવાની પરવાનગી કોણે આપી તે તપાસવાનું બાકી છે.
દરમિયાન ભાવેશના વકીલ રિઝવાન મર્ચન્ટે દલીલ કરી હતી કે પોલીસે ભાવેશને ધરપકડનું કારણ આપ્યું નથી. ભાવેશ કથિત કંપનીમાં ડિસેમ્બર, 2023માં ડિરેક્ટર બન્યો હતો. આથી હોર્ડિંગની જવાબદારી તેની નથી. વડાલામાં પણ લોખંડનો પાર્કિંગ ટાવર એ જ દિવસે તૂટી પડ્યો હતો, પણ ત્યાં સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરાયો નહોતો, એવી દલીલ તેમણે કરી હતી. દરમિયાન બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ભાવેશને પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ભાવેશને દુર્ઘટના વિશે જાણ થયા બાદ તે લોનાવલા ભાગી છૂટ્યો હતો. બીજે દિવસે તે થાણે આવ્યો હતો અને બાદમાં ગુજરાત જવા નીકળ્યો હતો. બાદમાં ભાવેશ રાજસ્થાના ઉદયપુર ગયો હતો. તેણે આધારકાર્ડ માટે તેના સંબંધીનો કૉલ કર્યો હતો અને બાદમાં તે ભાવિન પૂજારાના નામે હોટેલમાં રોકાયો હતો.