Ghatkopar Garden Closed After Woman’s Death

ગુજરાતી મહિલાના મૃત્યુ બાદ ઘાટકોપરનું ગાર્ડન તાત્પૂરતા સમય માટે બંધ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં ગુરુવારે સાંજે બગીચામાં ઈવનિંગ વોક કરી રહેલી ગુજરાતી મહિલા પર ઝાડ તૂટી પડ્યા બાદ તેનું મૃત્યુ થવાની દુર્ઘટના બાદ ગારોડિયા નગરમાં આવેલું ગાર્ડન તાત્પૂરતા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં એક ગુજરાતી મહિલા જખમી પણ થઈ હતી અને તેની તબિયત હવે સ્થિર છે.

આ પણ વાંચો : વિકાસના ઢોલનગારા પણ મહારાષ્ટ્રમાં શિક્ષણની છે આ સ્થિતિઃ ડ્રોપ બૉક્સનો આંકડો ચોંકાવનારો

ઘાટકોપર (પૂર્વ)માં વલ્લભબાગ લેનમાં રહેતા ૬૦ વર્ષના મીનાક્ષી કીર્તિલાલ શાહનું ગુરુવારે સાંજે ગારોડિયા નગરમાં જોગર્સ પાર્કમાં ઈવનિંગ વોક દરમિયાન પીપળાની ઝાડની ડાળખી તૂટી પડવાથી મૃત્યુ થયું હતું અને ૫૬ વર્ષના વંદના શાહને માથામાં ઈજા પહોંચી હતી. બગીચાને અડીને આવેલા કૈલાશ નિવાસ બિલ્િંડગના પરિસરમાં રહેલા પીપળાના ઝાડની ડાળખી તૂટી પડવાને કારણે આ દુર્ઘટના બની હતી ત્યારબાદ ગુરુવારે મોડી સાંજે ઝાડનો અમુક હિસ્સો કાપી નાખવામાં આવ્યા બાદ શુક્રવારે આખું ઝાડ ત્યાંથી હટાવી દેવામાં આવ્યું હતું.

ગુરુવારની દુર્ઘટના બાદ જોકે હાલ આ બગીચાને કામચલાઉ બંધ કરી દેવામાં આવ્યું છે અને બગીચાની બહાર તેને લગતું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. બગીચામાં રહેલા જોગર્સ પાર્ક પર વર્ષોથી સવાર-સાંજ સ્થાનિક રહેવાસીઓ ચાલવા માટે આવતા રહ્યા છે. જોકે ગુરુવારની દુર્ઘટના બાદ ગાર્ડનને બંધ કરવામાં આવ્યું હોવાની જાણ શુક્રવારે વહેલી સવારના વોક માટે આવ્યા બાદ સ્થાનિકોને થઈ હતી.

બગીચાની સંભાળ રાખનારા વોચમેનના કહેવા મુજબ જયાં ઝાડની ડાળખી પડી ત્યાં પાણીની ટાંકી છે અને ગુરુવારે બંને મહિલાઓ બરોબર ડાળખી તૂટી ત્યારે ત્યાં જ હતી અને તેઓ દુર્ઘટનાનો ભોગ બની હતી. આ દરમિયાન ગારોડિયા નગર વેલફેર ફેડરેશન ઓફ હાઉસિંગ સોસાયટીના પદાધિકારીના જણાવ્યા મુજબ બગીચામાં ઝાડની ડાળખી તૂટી પડયા બાદ ત્યાં રહેલી પાણીના ટાંકીના થોડા સમારકામ માટે બગીચો બંધ કરવામાં આવ્યો છે.

આ બગીચાનું સંચાલન ગારોડિયા નગર વેલફેર ફેડરેશન ઓફ હાઉસિંગ સોસાયટી દ્વારા કરવામાં આવે છે. આ બગીચો આરજી પ્લોટ પર બનાવવામાં આવ્યો હતો અને બોમ્બે હાઈકોર્ટ દ્વારા ૨૦૧૨માં આ બગીચો પાલિકાના માધ્યમથી ફેડરેશનને સંચાલન માટે આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ફાયર સેફટીનુંં નિયમોનો ભંગ કર્યો તો દંડની રકમ પ્રોપર્ટી ટેક્સ સાથે વસૂલાશે

પાલિકાનું ઈન્સપેક્શન

ગુરુવારની દુર્ઘટના બાદ પાલિકાના ‘એન’વોર્ડના ગાર્ડન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા શુક્રવારે બગીચાને અડીને આવેલી કૈલાશ નિવાસ બિલ્િંડગનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું, જ્યાંથી ઝાડની ડાળખી તૂટી પડી હતી. એન’વોર્ડના ગાર્ડન ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા સોસાયટીના પરિસરનું ઈન્સપેકશન કર્યા બાદ તાત્કાલિક ધોરણે તેમના પરિસરમાં રહેલા ઝાડોનું ટ્રીમિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button