ઑક્સિજન પ્લાન્ટ કૌભાંડમાં ઘાટકોપરના કોન્ટ્રાક્ટર રોમિન છેડાને પોલીસ કસ્ટડી
મુંબઈ: કોવિડ-૧૯ના સમયગાળામાં ઑક્સિજન જનરેશન પ્લાન્ટ્સ ગોઠવવાના કથિત કૌભાંડ અને મુંબઈ મહાનગરપાલિકાને છ કરોડ રૂપિયાનું કથિત નુકસાન પહોંચાડવા સંબંધિત પ્રકરણમાં એફઆઈઆર નોંધાયાના બે દિવસ પછી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ઘાટકોપરના કોન્ટ્રાક્ટર રોમિન છેડાની ધરપકડ કરી હતી. કોર્ટે છેડાને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આર્થિક ગુના શાખાના અધિકારીઓએ ગુરુવારે રોમિન છેડાની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. શુક્રવારે તેને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તપાસમાં સહકાર ન આપતો હોવાથી પોલીસે આખરે શુક્રવારે રાતે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં મહાપાલિકાના અધિકારીને પણ આરોપી બતાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
આ પ્રકરણે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૧૮, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૨૧૮, ૧૨૦(બી) અને ૩૪ હેઠળ ગુનો નોંધ્યો હતો. ધરપકડ બાદ શનિવારે છેડાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ માટે છેડાની કસ્ટડીની માગણી કરી હતી. કોર્ટે તેને સોમવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા મુજબ હાઈવે ક્ધસ્ટ્રક્શન કંપનીના રોમિન છેડા વિરુદ્ધ આર્થિક ગુના શાખાએ નાગપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. છેડાની કંપનીને કોવિડ-૧૯ દરમિયાન ઑક્સિજન પ્લાન્ટ્સ ગોઠવવા સંબંધિત કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે આ કોન્ટ્રાક્ટમાં અમુક ગેરરીતિઓ જણાઈ આવી હતી.કહેવાય છે કે કપડાંના સ્ટોર્સ ધરાવતા છેડા પર જુલાઈ મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સર્ચની કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન ઑક્સિજન પ્લાન્ટ્સનું પ્રકરણ સામે આવ્યું હતું.