
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં રવિવારે બપોરના ગ્રાઉન્ડ પ્લસ છ માળની રહેણાંક બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ પંતનગરના નાયડુ કોલોનીમાં બિલ્ડિંગ નંબર ૩૩૦માં આગની દુર્ઘટના બની હતી. બપોરના ૨.૧૧ વાગ્યાની આસપાસ ત્રીજા માળા પર આવેલા ફ્લેટમાં આગ લાગી હતી.
મુંબઈ ફાયરબિગ્રેડ, સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લગભગ અડધો કલાકમાં એટલે કે ૨.૪૩ વાગ્યે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.